• મંગળવાર, 16 જૂન, 2026

ગળપાદર પાછળ કાર લાવારિશ પણ અંદરથી પાર્ટીનો સામાન મળ્યો

ગાંધીધામ, તા. 15 : રાજ્યમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોય છે, પણ ક્યારેક નસીબ એવું રૂઠે છે કે આખો પાન-આધાર સહિતનો પુરાવો જ પોલીસના હાથમાં મૂકીને ભાગવું પડે છે. આવો જ એક કિસ્સો ગાંધીધામ ગળપાદર શાંતિધામ નજીક ગુરુકુળ સોસાયટી પાછળ બન્યો છે. અહીં કારમાંથી પોલીસે રૂા. 3,76,249નો દારૂ જપ્ત કર્યો હતો. પૂર્વ કચ્છ એલ.સી.બી.ની એક ટીમ ગત રાત્રે ગળપાદર પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન રાજસ્થાન પાસિંગની એક કાર ગુરુકૃપા સોસાયટી પાછળ શંકાસ્પદ હાલતમાં ગઇ હોવાની પૂર્વ બાતમી મળી હતી. પૂર્વ અને સચોટ બાતમીના આધારે પોલીસ સિંઘમ સ્ટાઇલમાં ત્યાં પહોંચી તો ખરી પણ ત્યાં કોઇ વિલન (આરોપી) હાજર નહોતો. ત્યાં કારનો દરવાજો પણ ખુલ્લો હતો. જાણે પોલીસનું સ્વાગત કરવા માટે ખોલ્યો હોય ! આ કાર નંબર આર.જે. 19-સી.એ. 1969ની તપાસ કરતાં તેમાંથી દારૂ નીકળી પડયો હતો. આ વાહનમાંથી જોની વોકર 750 મિ.લી.ની 131 બોટલ, એબ્સેલ્ટ વોડકા 750 મિ.લી.ની 60 બોટલ તથા બેલેન્ટાઇન સ્કોચની 60 બોટલ એમ કુલ્લ 251 બોટલ કિંમત રૂા. 3,76,249નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કારની તલાશી લેવાતાં તેમાંથી મહેન્દ્રસિંહ તનસિંહના પાન, આધારકાર્ડ, બેંક કાર્ડ મળી આવ્યા હતા. આ શખ્સ કોણ છે ? દારૂ કોણ લાવ્યું હતું ? ક્યાંથી આવ્યો અને ક્યાં ? કોને આપવાનો હતો તે કાંઇ જ બહાર આવ્યું નથી, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Panchang

dd