અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભાજપ સરકારની ખેડૂત
વિરોધી નીતિ સામે દેખાવો કરવા આજરોજ અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી
કોંગ્રેસે ટ્રેક્ટરો સાથે કિસાન અધિકાર યાત્રા યોજી હતી જેમાં પ્રદર્શનકારી ખેડૂતો
અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ અને ઝપાઝપીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં.
અમદાવાદના ઓગણજ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. યાત્રા દરમિયાન ખેડૂતો
અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ માથાકૂટની ઘટના સામે આવી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતોની રેલી ગાંધીનગર પહોંચી જ ન હતી તેમજ
અંદરોઅંદર ફાટફુટ પડી હતી. ગુજરાત કોંગ્રેસના ટેકાથી આજે યોજાયેલી ખેડૂત રેલી
સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ મીડિયાને સંબોધતા
જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં જો સૌથી વધારે કોઈની ખરાબ હાલત હોય, કોઈની પર અત્યાચાર થતો હોય, શોષણ થતું હોય અને
અન્યાય થતો હોય તો એ જગતના તાત ખેડૂત સાથે થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના
નેતાઓ ખેડૂતોની આવક બમણી કરીશું, ખેડૂતો મારુતિ કાર લઈને
ફરશે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણો કરતાં હતી પરંતુ આજે ખેડૂતના ખેતરમાં
જબરદસ્તીથી અદાણી અને બીજી કંપનીઓના વીજપોલ ઊભા કરવામાં આવે છે, એનું જ્યારે વળતર માંગે, એના માટેના સમય માંગે,
પાકની નુકસાની માંગે ત્યારે પોલીસ દ્વારા એને લાકડીઓ મારવામાં આવે
છે. મહિલાઓ પર અત્યાચાર થાય છે અને પોલીસ અને પ્રશાસન જાણે આ કંપનીઓની દલાલ બની ગઈ
હોય એવી રીતે વર્તી રહી છે. કોંગ્રેસના લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, સરકારને અલ્ટીમેટમ આપવા માંગીએ છીએ કે માંગણીઓને લઈને જેલમાં જવા માટે
તૈયાર છીએ. 11 દિવસ પછી સરકાર જવાબ નહીં આપે તો જિલ્લાઓમાં
ટ્રેક્ટર લઈને રોડ પર ઊભા રહીને ચક્કાજામ કરીશું. કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન
કોંગ્રેસ સમિતિ સાથે બીજા કોઈએ આવવું હોય તો રસ્તા રોકવા માટે આવી જાય. 12માં
દિવસે સરકાર નહીં માને તો તેમનું બારમું કરી નાખીશું.