ભુજ, તા. 1 : વાવેતરથી વેચાણ સુધી કચ્છના
ખેડૂતો આત્મનિર્ભર બને... મૂલ્યવૃદ્ધિ, પ્રોસેસિંગ કરીને સીધા બજાર સુધી પહોંચે તેવા સંદેશ સાથે શહેરનાં આંગણે વધુ
એકવાર કૃષિમેળો યોજાવા જઇ રહ્યો છે. ત્રીજી એપ્રિલે શુક્રવારની સવારે 10 વાગ્યે ઉદ્ઘાટન બાદ મિરજાપર
રોડ સ્થિત પ્રાઇમ લોકેશન ગ્રાઉન્ડ કૃષિની પ્રવૃત્તિઓથી સતત ચાર દિવસ ધમધમશે.`નર્મી'
સંસ્થા તેમજ કચ્છી જનમનના ધબકાર સમાન `જન્મભૂમિ જૂથ'ના અખબાર `કચ્છમિત્ર' દ્વારા મુખ્ય પ્રાયોજક એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ,
અદાણી ફાઉન્ડેશન, અદાણી પેટ્રોકેમિકલ્સના મુખ્ય
સહયોગથી 15મો હાઇટેક
કૃષિમેળો યોજાવા જઇ રહ્યો છે. મિરજાપર રોડ પર પ્રાઇમ લોકેશન ગ્રાઉન્ડના વિશાળ પરિસરમાં
વિવિધ ક્ષેત્રના અને જાહેરજીવનના અગ્રણીઓ, પ્રગતિશીલ કિસાન આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે ઉદ્ઘાટન કરાશે. પ્રાયોજકો,
આયોજકોએ કચ્છભરમાંથી કુંભમેળાની જેમ ઊમટી પડવાની ખેડૂતોને અપીલ કરી હતી.
કચ્છની કૃષિ માટે માર્ગદર્શિકા સમાન બની રહેલા હાઇટેક કૃષિમેળોની પહેલને પ્રોત્સાહિત
કરવા અદાણી પોર્ટ અને સેઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઇ શાહ, એગ્રોસેલના એમ.ડી. ચૈતન્ય શ્રોફ, સરહદ ડેરીના અધ્યક્ષ
વલમજીભાઇ હુંબલ ખાસ ઉપસ્થિત રહેશે. ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ કરમણભાઇ આહીર,
પૂર્વ અધ્યક્ષો વેલજી ભુડિયા, શિવજીભાઇ બરાડિયા,
જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા, મદદનીશ
ખેતીવાડી અધિકારી શાંતિલાલ પ્રજાપતિ, બાગાયત નિયામક મનદીપ પરસાણિયા,
આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. કે. તલાટી સહિત મોવડીઓ પથદર્શન પૂરું
પાડી રહ્યા છે. - બે દિવસ `સેતુ' સેમિનાર બનશે ખેતીની માર્ગદર્શિકા : ચાર દિવસય કૃષિમેળા દરમ્યાન ચોથી અને પાંચમી
એપ્રિલના બે દિવસ સવારે 10થી 12 વાગ્યા સુધી `સેતુ'
સેમિનારોમાં વિવિધ ક્ષેત્રના ખેતીના તજજ્ઞો મહત્ત્વનું માર્ગદર્શન આપશે.
ચોથી તારીખે શનિવારે રતિલાલભાઇ શેઠિયા, ડો. સુરેશ આચાર્ય,
મનોજભાઇ સોલંકી માર્ગદર્શન આપશે, તો પાંચમી એપ્રિલ,
રવિવારે હરેશભાઇ ઠક્કર, બટુકસિંહ જાડેજા,
બાગાયત નિયામક મનદીપ પરસાણિયા મહત્ત્વની સલાહો આપશે. આયોજકોએ કચ્છભરમાંથી
ઉમંગભેર ઊમટી પડવા કૃષિમેળાનો લાભ લેવા અપીલ કરી હતી.