નવી દિલ્હી, તા. 1 : નવા નાણાકીય
વર્ષના પહેલા જ દિવસે લોકોને મોંઘવારીનો કડવો ડોઝ મળ્યો હતો. મધ્ય-પૂર્વના યુદ્ધને
લીધે સર્જાયેલા તેલસંકટ વચ્ચે તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસના બાટલામાં રૂા. 19પનો જંગી વધારો કર્યો હતો તો બીજી તરફ વિમાની
ઈંધણ (એટીએફ)ની કિંમતમાં પણ બમણાથી વધુ મોટો વધારો ઝીંકાયો છે અને તેના ભાવ પ્રતિ કિલોલીટર
વિક્રમી રૂા. 2.07 લાખ થઈ ગયા છે. જો કે,ઘરેલુ રાંધણગેસના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો
નથી. કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં રૂા. 19પથી 218 સુધીનો મોટો
વધારો આજથી અમલી બની જતાં રેસ્ટોરન્ટ, હોટેલ સહિતના ઉદ્યોગો પર અસર પડશે અને ખાણીપીણીના અગાઉથી જ મોંઘા ભાવ ઓર વધે
તેવી પણી ભીતિ છે. આ વધારા સાથે દિલ્હીમાં હવે 19 કિલોનો કોમર્શિયલ ગેસનો બાટલો
રૂા. 2078.પ0નો થઈ ગયો છે. ચેન્નાઈમાં તેની કિંમત રૂા.
2246 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, રાંધણગેસના ભાવમાં સાતમી માર્ચે રૂા. પ0નો વધારો કરવામાં આવ્યો હતો. દરમ્યાન, એટીએફના ભાવમાં તો બહુ મોટો વધારો ઝીંકવામાં
આવ્યો છે. દિલ્હીમાં અગાઉ વિમાની ઈંધણ પ્રતિ કિલોલિટર રૂા. 96620 હતું જે હવે સીધું 207741 રૂપિયા થઈ ગયું છે. એટીએફના
ભાવ વધતાં વિમાની સફર પણ વધુ મોંઘી બને તેવી દહેશત છે. ભારતમાં વિમાની ઈંધણની કિંમત
પહેલી વાર બે લાખ રૂપિયાની પાર કરી ગઈ છે. અગાઉ 2022માં રશિયા-યુક્રેનનાં યુદ્ધ વખતે તેના ભાવ બે લાખ રૂપિયાથી વધ્યા
હતા. - શેલે ઈન્ડિયાએ
પેટ્રોલમાં 7.41, ડીઝલમાં 25 રૂપિયા વધારો ઝીંક્યો : નવી દિલ્હી, તા. 1 : મહાયુદ્ધથી
સર્જાયેલા ઊર્જા સંકટની અસર હેઠળ દેશમાં વિવિધ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં
વધારો ઝીંકાતાં ઇંધણ ભાવમાં ભડકો થયો છે. આજે સૌથી મોટા ઉછાળા પર નજર કરીએ તો શેલ ઈન્ડિયા
કંપનીઓ પેટ્રોલના ભાવમાં 7.41 રૂપિયા અને
ડીઝલમાં પ્રતિ લિટર 25 રૂપિયાનો
જંગી વધારો કર્યો હતો. બીજી તરફ, નાયરા
એનર્જીએ પેટ્રોલમાં પ્રતિલિટર પાંચ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ત્રણ રૂપિયાનો વધારો
કર્યો હતો. દરમ્યાન, પ્રીમિયમ પેટ્રોલ બાદ પ્રીમિયમ ડીઝલ પણ મોંઘું
થઈ ગયું છે. તેલ કંપનીઓએ પ્રતિ લિટર 1.50 રૂપિયાનો વધારો કરી નાખ્યો હતો. આ ભાવ વધારાથી ખાસ કરીને પરિવહન
અને કૃષિ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા વર્ગને અસર થશે. સતત બદલતી વૈશ્વિક પરિસ્થિતિઓ, રૂપિયાને લાગતા ઘસારાનાં પગલે આ પગલું લેવાયું
છે. દિલ્હીમાં હવે પ્રીમિયમ ડીઝલની કિંમત 95થી 96 રૂપિયા પ્રતિલિટર
થઈ ગઈ છે. વધતાં ભાવનાં કારણે આ ડીઝલનો ઉપયોટ ઘટી શકે છે. દરમ્યાન, ઈંડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)એ એક્સપી 100 એટલે કે, 100 ઓકટેન પેટ્રોલની
કિંમત 149 રૂપિયા પ્રતિલિટરમાંથી વધારીને
160 રૂપિયા પ્રતિ લિટર કરી નાખી
હતી.