નવી દિલ્હી, તા. 1 : એક મહિનાથી
ચાલી રહેલું ઈરાન યુદ્ધ થંભવાને બદલે વધારે ઘેરૂ બની રહ્યું છે. અમેરિકા પોતાની શરતે
સમજૂતી કરવા કહી રહ્યું છે પણ ઈરાન દ્વારા સ્પષ્ટ ઈનકાર કરવામાં આવ્યો છે. ટ્રમ્પે
જણાવ્યું હતું કે, તેમની સેના
બેથી ત્રણ સપ્તાહમાં ઈરાનનું અભિયાન સમાપ્ત કરી શકે છે અને હોર્મુઝની ખાડીની જવાબદારી
તેના પર નિર્ભર દેશો પર મૂકી દેશે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે, ઈરાનના નવા રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામની માંગ કરી છે. મેં જવાબ આપ્યો છે કે તેઓ
હોર્મુઝની ખાડી ખોલશે તો વિચારશું. બીજી તરફ ઈરાન યુદ્ધના કારણે ઊર્જા સંકટ ગંભીર બની
રહ્યું છે. જેની અસર દરેક દેશોમાં જોવા મળી રહી છે. આ દરમિયાન ટ્રમ્પના દેશજોગ સંબોધન
પર આખી દુનિયાની નજર છે. ટ્રમ્પનાં સંબોધન પહેલા ઓસ્ટ્રેલિયાના પીએમ અને બ્રિટિશ પીએમએ
રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. બ્રિટિશ પીએમએ તો અમેરિકાને રોકડું પરખાવતા કહી દીધું
હતું કે બ્રિટન ઈરાન યુદ્ધમાં સામેલ થશે નહીં અને હોર્મુઝ ખોલાવવા માટે કૂટનીતિક રસ્તાઓ
ઉપર વિચાર કરશે. ઓસ્ટ્રેલિયન પીએમએ પણ સંબોધનમાં કહ્યું હતું કે, પશ્ચિમ એશિયાના યુદ્ધથી ઓસ્ટ્રેલિયાને કોઈ લેવાદેવા નથી, તેમ છતાં લોકો તેનો ભોગ બની રહ્યા છે.
બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે સાફ કહી દીધું હતું કે, બ્રિટન, ઈરાન યુદ્ધમાં સામેલ થશે નહીં. તેના બદલે સ્ટ્રેટ
ઓફ હોર્મુઝ ખોલાવવા માટે ગ્લોબલ હોર્મુઝ સમિટની યજમાની કરશે. સ્ટાર્મરે કહ્યું હતું
કે, ચાલુ અઠવાડિયે બ્રિટનની યજમાનીમાં 35 દેશ સાથે બેઠક થવાની છે. જેમાં
હોર્મુઝ અંગે ચર્ચા કરવામાં આવશે. સ્ટાર્મરે ચેતવણી આપી હતી કે ઈરાન યુદ્ધની બ્રિટનનું
ભવિષ્ય મોટાપાયે અસરગ્રસ્ત થશે, સાથે
આશ્વાસન પણ આપ્યું હતું. આ પહેલાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અંથની અલ્બનીઝે પણ રાષ્ટ્રજોગ
સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે આગામી મહિનાઓ પડકારભર્યા બની શકે છે.