ભુજ, તા. 1 : સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનરુત્થાન ક્ષેત્રે વિશિષ્ટ
પ્રદાન કરનાર પ્રતિભાઓ કે સંસ્થાઓને પુરસ્કારવાના હેતુથી રચાયેલ મનુભાઈ પંચોળી `દર્શક'
ફાઉન્ડેશનનો વર્ષ 2025નો સાહિત્ય ઍવૉર્ડ સર્જનાત્મક લેખન માટે મોહન પરમાર તથા ગ્રામ
પુનર્રચના એવૉર્ડ `ભોજાય સર્વોદય
ટ્રસ્ટ'ને અર્પણ કરવા જાહેરાત કરાઇ છે. મોહન પરમાર ગુજરાતી
સાહિત્યમાં મહત્વના લેખક છે. તેઓ વાર્તાકાર, નવલકથાકાર,
નિબંધકાર અને વિવેચક તરીકે ઓળખાય છે. 1980 પછીના ગુજરાતી સાહિત્યમાં તેમનું
મહત્વનું સ્થાન છે. તેમના લેખનમાં સામાન્ય લોકોના જીવન, ખાસ કરીને ગ્રામ્ય અને પછાત વર્ગના લોકોની સમસ્યાઓનું
દર્શન થાય છે. તેમની રચનાઓમાં જીવનની વાસ્તવિકતા અને સમાજની પરિસ્થિતિઓનું સચોટ પ્રતાબિંબ
જોવા મળે છે. એમના વાર્તાસંગ્રહ `અંચળો'ને વર્ષ
2011માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો
પુરસ્કાર એનાયત થયો હતો. તો લીલાધરભાઈ ગડાએ 1996માં `ભોજાય સર્વોદય
ટ્રસ્ટ'ની સ્થાપના કરી હતી, જેની
તમામ પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગામડાઓ અને ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ છે. આ ટ્રસ્ટ આધુનિક
ઓપરેશન થિયેટર જેમાં મહિલાઓ માટે નિષ્ણાત સ્ત્રી રોગ ડૉકટરો દ્વારા ઓપરેશન કરવામાં
આવે છે. માનસિક વિકલાંગ બાળકોને સ્વનિર્ભર કરવા માટે નિવાસી શાળા માનસ મંદિર કાર્યરત
છે. અહીં હોસ્પિટલમાં આંખની સારવાર થાય છે તેમજ ડાયાલિસીસ સેન્ટરમાં દર મહિને ત્રણસો
ડાયાલિસીસ થાય છે. એવૉર્ડ વિતરણ સમારંભમાં શાલ, એક લાખ રૂપિયાનો
ચેક તથા તામ્રપત્ર એનાયત કરવામાં આવશે. તારીખ તેમજ સ્થળ અંગે જાહેરાત ટૂંક સમયમાં કરાશે.