કોટડા (ચકાર), તા.1 : ભુજ તાલુકાના
કોટડા-ચકાર તથા લક્કી ડુંગરાળ વિસ્તારોમાં હાલ ગાંડા બાવળના વૃક્ષો પર મોટી સંખ્યામાં
`કચ્છી ફળી' જોવા
મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આ ફળીઓને એકત્રિત કરીને સંગ્રહ કરે છે અને બજારમાં
વેચાણ કરીને વધારાની આવક મેળવી રહ્યા છે. પશુપાલકોના
જણાવ્યા મુજબ ગાંડા બાવળની ફળીમાં પ્રોટીન અને શર્કરાનું પ્રમાણ વધારે હોવાથી દૂધાળા
પશુઓ માટે ઉપયોગી છે. પશુઓના દાણમાં ફળીના ઉપયોગના કારણે ખર્ચમાં ઘટાડો થાય છે અને
પશુઓને પૌષ્ટિક આહાર મળે છે. - બાવળનું લાકડું બન્યું ઈંધણનો વિકલ્પ : મધ્યપૂર્વ વિસ્તારમાં ઈરાન સાથે વધતા તણાવ
અને તેના પગલે ઈંધણના ભાવોમાં વધારો થતા ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે. ગ્રામ્ય
વિસ્તારોમાં રસોઈ ગેસ મોંઘો બનતાં ગાંડા બાવળનું લાકડું આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું
છે. - 1960ના દાયકામાં થયું વાવેતર
: રણને આગળ વધતું અટકાવવા માટે 1960ના દાયકામાં બન્ની વિસ્તારમાં
ગાંડા બાવળનું વાવેતર કરાયું હતું. સંશોધન મુજબ માલધારીઓ પેઢીઓથી ગાંડા બાવળમાંથી લાકડું
અને કોલસો બનાવી રોજગાર મેળવી રહ્યા છે. આ વૃક્ષ જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. - ફાયદા અને નુકસાન બંને : પર્યાવરણવિદોના મતે ગાંડો બાવળ સ્થાનિક
વનસ્પતિઓને નષ્ટ કરે છે અને જમીનના પાણીના સ્તરને અસર કરે છે. તેની અનિયંત્રિત વૃદ્ધિ
ભવિષ્યમાં પડકારરૂપ બની શકે છે. બીજી તરફ સ્થાનિક લોકો માટે આ વૃક્ષ રોજગારી અને જીવનનો
આધાર બની ગયું છે. ગાંડા બાવળના લાકડામાંથી કોલસો બનાવવામાં આવે છે, જેનાથી અનેક પરિવારોને રોજગાર મળે છે. - પશુપાલકો માટે પૌષ્ટિક ચારો : નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગાંડા બાવળની શીંગો દૂધાળા પશુઓના દાણમાં
30 ટકા સુધી અને પુખ્ત પશુઓ માટે
45 ટકા સુધી ઉપયોગ કરી શકાય છે.
જેના કારણે પશુપાલકોના ખર્ચમાં ઘટાડો થાય છે અને પશુઓને પૌષ્ટિક આહાર મળે છે. - સ્થાનિકો માટે ગાંડો બાવળ `કલ્પવૃક્ષ' સમાન : તાલુકાના કોટડા-ચકાર વિસ્તારમાં હાલ ગાંડા
બાવળના ઘન વૃક્ષો નીચે મોટી સંખ્યામાં પડેલી
ફળીઓને એકત્રિત કરી રહ્યા છે. આમ, ગેસ સિલિન્ડરની
વધતી કિંમતો વચ્ચે બાવળનું લાકડું, પશુપાલકો માટે પૌષ્ટિક `કચ્છી ફળી' અને ગ્રામ્ય પરિવારો માટે બાવળ આવકનું સાધન
બની રહ્યો છે.