નલિયા, તા. 10 : કચ્છી ભાનુશાલી જ્ઞાતિની 150 વર્ષ જૂની માતૃસંસ્થા સમાન
`કચ્છી ભાનુશાલી દેશમહાજન ટ્રસ્ટ'ની જનરલ સભા જખૌ ખાતે સંપન્ન થઈ હતી. બેઠકમાં
જ્ઞાતિનાં હિતમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા, જેમાં
સૌથી મુખ્ય નિર્ણય તરીકે વર્તમાન કારોબારીની છેલ્લાં ત્રણ વર્ષની નોંધપાત્ર કામગીરીને
બિરદાવી, પ્રમુખ દામજીભાઈ જોઈસરનાં નેતૃત્વ હેઠળની આખી ટીમને
આગામી પાંચ વર્ષ માટે ફરીથી સેવા કરવાની જવાબદારી સર્વાનુમતે સોંપવામાં આવી હતી. દેશમહાજન ટ્રસ્ટ એ ભાનુશાલી સમાજની એક એવી અનોખી
સંસ્થા છે, જેમાં જ્ઞાતિના કોઈ પણ ખૂણે જન્મેલું બાળક જન્મની
સાથે જ આપોઆપ સભ્ય બની જાય છે. સંસ્થા કચ્છના 74 મહાજનોનું પ્રતિનિધિત્વ કરે
છે, જેમાં અબડાસાના બાવન, માંડવી તાલુકાના 12, પાવરપટ્ટીના
3 તેમજ કચ્છના સાત શહેરોના મહાજન પ્રતિનિધિઓ
સંકળાયેલા છે. 2021થી દામજીભાઈ જોઈસરના પ્રમુખપદ
હેઠળની કારોબારીએ શિક્ષણ, આરોગ્ય અને
સામાજિક એકતાનાં ક્ષેત્રે અનેક પ્રશંસનીય કાર્યો કરી જ્ઞાતિજનોમાં નવી ચેતના જગાડી
છે તેવું જણાવાયું હતું. બેઠકમાં આગામી સમયના કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી
હતી, જે મુજબ વલસાડ ખાતે `ઓધવરામ ભવન'ના કાર્યક્રમો, આગામી રામનવમીના
દિવસે નલિયામાં મહોત્સવ, અખાત્રીજનાં પર્વે નલિયામાં સમૂહલગ્નનું
આયોજન તેમજ કુળદેવી મા હિંગળાજના પાટોત્સવની વિશેષ ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું.
પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં રાજકીય ક્ષેત્રે હોદ્દાઓ પ્રાપ્ત
કરનાર રમીલાબેન ગજરા (પ્રમુખ, તાલુકા પંચાયત), પરેશભાઈ જોઈસર, અનિલભાઈ ભાનુશાલી, પીયૂષભાઈ મંગે અને પરેશભાઈ ચાંદ્રાનું અભિવાદન કરાયું હતું. સાથોસાથ લાયન્સ
ક્લબ અબડાસા - નલિયાના પ્રમુખ તરીકે વરણી પામેલા દેશમહાજનના ઉપપ્રમુખ દિનેશભાઈ ચાંદ્રાનું
પણ બહુમાન કરવામાં આવ્યું હતું. સમસ્ત મહાજનોના પ્રમુખો, કારોબારી
સભ્યો, હરિઓમ પરિવારના આગેવાનો અને ઓધવરામ સત્સંગ મંડળના કાર્યકરો
બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ દિનેશભાઈ ચાંદ્રાએ આગામી સમયમાં
જ્ઞાતિના પ્રશ્નોનાં નિરાકરણ અને સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી