ભુજ, તા. 10 : શહેર સુધરાઈની ખાસ સામાન્ય
સભામાં 62.51 કરોડનું રિવાઈઝ્ડ બજેટ તેમજ
63.60 કરોડનું વાર્ષિક બજેટ રજૂ કરાયું
હતું, જેને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. આગામી તા.
15/3ના ભુજ સુધરાઈના શાસકોનો કાર્યકાળ
પૂર્ણ થઈ રહ્યો છે અને ગઈકાલે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂકના ઓર્ડર પણ બહાર પડાઈ
ગયા. આ દરમ્યાન આજે નગરપાલિકાની અંતિમ અને ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2025-26માં ખૂલતી સિલક 53.82 કરોડ, આવક 51.47 કરોડ તથા ખર્ચ 42.78 કરોડ, 62.51 કરોડની બંધ સિલક સાથેનું રિવાઈઝ્ડ
બજેટ તેમજ વર્ષ 2026-27ની
ખૂલતી સિલક 62.51 કરોડ, આવક 149.41 કરોડ, અંદાજિત
ખર્ચ 148.31 કરોડ અને 63.60 કરોડ બંધ સિલક સાથેનું વાર્ષિક
બજેટ રજૂ કરાયું હતું, જેને સર્વસંમતિથી
બહાલી અપાઈ હતી. સભા પ્રારંભે પ્રમુખ રશ્મિબેન સોલંકીએ સૌને આવકાર્યા હતા. ઉ.પ્ર. ઘનશ્યામ
ઠક્કરે એજન્ડાનું વાંચન કર્યું હતું. સભાની શરૂઆત પહેલાં તાજેતરમાં અવસાન પામેલા ડો.
રામભાઈ ગઢવીને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી. ઉ.પ્ર. ઘનશ્યામ ઠક્કરે અઢી વર્ષ દરમ્યાન
થયેલાં મુખ્ય કામો પર પ્રકાશ પાડયો હતો તેમજ આવનારા સમયમાં ભુજ શહેરના વિકાસ માટે હાલના
શાસકોની ટીમ તત્પર રહેશે તેમજ આવનારી નવી ટીમને સહયોગ આપવા હંમેશાં તૈયાર રહેશે તેવી
ખાતરી આપી હતી. ભુજ સુધરાઈના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલ, સત્તાપક્ષ-વિપક્ષના નગરસેવકો
તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.