• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

નલિયા-વાયોર રેલવે પ્રોજેક્ટ સંપાદનની પ્રક્રિયા તેજ

નલિયા, તા. 15 : ભુજથી નલિયા સુધીના રેલવે ટ્રેકનું કામ પૂર્ણ થયા બાદ હવે આ લાઇનને વાયોર સુધી લંબાવવાની પ્રક્રિયા રેલવે વિભાગ દ્વારા વેગવંતી બનાવવામાં આવી છે. પ્રોજેક્ટ માટે રેલવે પાટા પાથરવા અને વધારાની જમીન સંપાદિત કરવાના હેતુથી અબડાસા તાલુકાનાં મુખ્ય મથક નલિયા ખાતે પ્રાંત અધિકારી ચેતન પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સુનાવણી યોજવામાં આવી હતી. સુનાવણીમાં અબડાસા તાલુકાના નલિયા, રામપર અબડા, જાના કોષા, વડસર અને વાયોર સહિતનાં ગામોની કુલ 143881 હેક્ટર જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રક્રિયા અંતર્ગત જેઓની જમીન રેલવેમાં જઈ રહી છે, તેવા 77 અસરગ્રસ્ત ખાતેદાર હાજર રહ્યા હતા. પ્રાંત અધિકારી દ્વારા તમામ ખેડૂતોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા અને તેમની વાંધા અરજીઓનો પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ માંગ કરી હતી કે, તેમને જંત્રીના વર્તમાન ભાવ કરતા વધુ વળતર મળવું જોઈએ. ખેડૂત અગ્રણી દિનેશભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, રેલવે દ્વારા કાયમી જમીન સંપાદન થતી હોવાથી જંત્રીના ભાવ ખૂબ ઓછા પડે છે. વધુમાં, જમીન સંપાદનને કારણે ખેતરના ટુકડા થઈ જતા હોવાથી બાકી વધેલી જમીન પર ખેતી કરવી મુશ્કેલ બની જશે. ખેડૂતોએ એવી પણ રજૂઆત કરી હતી કે, જે ખેતરો સાતબારના ઉતારામાં `કપિત' (બિન-પિયત) બોલે છે, પરંતુ હકીકતમાં ત્યાં કૂવા કે બોરની સુવિધા છે, તેને `િપયત' જમીન ગણીને તે મુજબ વળતર આપવું જોઈએ. કૂવા અને બોરનું અલગથી વળતર આપવાની માંગ પણ પ્રબળ બની હતી. પ્રાંત કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારના નિયમ મુજબ જંત્રીના ભાવના ચાર ગણું વળતર ચૂકવવાની પ્રક્રિયા ગતિમાં છે. અનેક ખેડૂતો સાથે સમજૂતી કરી ચેક પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જો કે, અમુક કિસ્સામાં એક જ સર્વે નંબરમાં ચારથી વધુ ભાગીદારનાં નામ હોવાને કારણે વહીવટી પ્રક્રિયામાં થોડો સમય લાગી રહ્યો છે. રેલવેના સિનિયર સેક્શન એન્જિનીયર આર. કે. સિંઘે ખેડૂતોની મુંઝવણ દૂર કરતા જણાવ્યું હતું કે, સાથે ડિસ્ટ્રિક્ટ લેવલ રેવન્યૂ ઇન્સ્પેક્ટર સાથે રહીને જમીનની માપણી પૂર્ણ કરી દેવામાં આવી છે અને હદ નિશાન પણ લગાડવામાં આવ્યા છે. આગામી સમયમાં રેલવે દ્વારા ખેતરોમાં પાકા સિમેન્ટના પિલર નાખવામાં આવશે, જેથી ખેડૂતોને તેમની કપાત થતી જમીનની ચોક્કસ વિગતો સ્થળ પર ફરીથી બતાવવામાં આવશે. આ સુનાવણીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Panchang

dd