કર્મનો સિદ્ધાંત છે - `જેવું કરીએ, તેવું પામીએ.' ભૂકંપ સમયે આવો જ એક અનુભવ થયેલો. ભુજ
ગણેશનગર વિસ્તારમાં મારી માતા સહિત બીજી બે-ત્રણ બહેનો બધા માટે ભોજન બનાવી રહી હતી,
ત્યારે અંદાજે 50 વર્ષના વૃદ્ધ કાકા બહેનો પાસે આવીને સંદૂક આપી રડમસ અવસ્થાએ
કહ્યું, `તમે આ સંદૂક
રાખી લો, એ મારા કર્મોનું ફળ છે. સંદૂકમાં મારી દીકરીઓનાં
લગ્ન માટે બનાવેલાં ઘરેણાં છે. આવતા મહિને મારી બે દીકરીનાં લગ્ન હતાં, પરંતુ આ ધરતીકંપ મારા પરિવારને ભરખી ગયો. મારું જીવન અને આ દાગીના ભરેલી સંદૂક
બંને નકામા થઈ ગયા. 1998ના કંડલામાં
વાવાઝોડું આવ્યું, ત્યારે હું
પોર્ટમાં કર્મચારી તરીકે કાર્યરત હતો, હજારોની સંખ્યામાં મરેલા
મડદાઓનાં ઘરેણાં - રૂપિયા કાઢીને મેં આ ઘરેણાં ઘડાવ્યાં હતાં, પણ મને મારા કર્મોનું ફળ મળી ગયું. આટલું
બોલતાં જ એ વૃદ્ધ કાકા ધ્રૂસકે- ધ્રૂસકે રડવા લાગ્યા હતા. અમારી બહેન - માતાઓએ
કાકાને સાંત્વના આપી અને રાહતનાં પગલે ચાલી રહેલા સેવાકેમ્પોમાં સંદૂક દાન કરી દેવા
જણાવેલું. અડધો રોટલો ખાવો, પણ અનીતિનું ન ખાવું એ અમે આ ઘટનામાંથી
શીખ્યા. મૂળ ભૂજના બીનાબેન રબારી હાલ ગાંધીધામ રહે છે, તેમણે આ સત્ય ઘટનાનો બોધ સૌ વાચકો માટે પીરસ્યો છે.