ગાંધીધામ, તા. 15 : સમુદ્રી વ્યાપારમાં કાર્બન
ઉત્સર્જન ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ડી.પી.એ. કંડલાને ગ્રીન હાઈડ્રોજન હબ બનાવાયું
છે તે અંતર્ગત મહત્તમ પગલાં લેવાયાં છે. તાજેતરમાં
ડેન્માર્કના પ્રતિનિધિ મંડળે કંડલાની મુલાકાત લઈને ગ્રીન ઊર્જા ક્ષેત્રમાં પોર્ટ ખાતે થયેલી કાર્યવાહી અંગે વિવિધ માહિતી મેળવી હતી.
પોર્ટ પ્રશાસન દ્વારા આ દરિયાઈ અને ટકાઉપણા ક્ષેત્રમાં સહકારને મજબૂત બનાવવા
માટે આ જોડાણ મહત્ત્વનું હોવાનું જણાવાયું હતું. પ્રતિનિધિ મંડળ દ્વારા પતંગ પણ ચગાવાયો હતો. ડેન્માર્ક દૂતાવાસના મેરીટાઈમ કાઉન્સેલર જોસેફાઈન પેલેશનના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ
મંડળે મુલાકાત લીધી હતી. ડી.પી.એ. ચેરમેન સુશીલકુમાર સિંહ સાથે શૂન્ય કાર્બન ઉત્સર્જન, ગ્રીન ટેકનોલોજી અપનાવવા અને ટકાઉ બંદર વિકાસ
માટે સહયોગી તક અંગે વિસ્તૃતમાં ચર્ચા -વિચારણા કરવામાં આવી હતી. અધ્યક્ષે ડિકાર્બનાઈઝેશન,
નવીનીકરણીય ઊર્જા એકીકરણ, ગ્રીન ઈંધણ અને પર્યાવરણીય
રીતે જવાબદાર કામગીરીમાં પોર્ટના ભવિષ્યલક્ષી પહેલો અંગે પ્રતિનિધિ મંડળને માહિતી આપી હતી. આ
ચર્ચામાં ડી.પી.એ.ના ઉપાધ્યક્ષ નિલાભ્રદાસ
ગુપ્તા, ચીફ વિજિલન્સ ઓફિસર
જે.કે. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને બંદરની માળખાંકીય સુવિધાઓ, કામગીરીમાં નવીનતા,સ્થિતિસ્થાપકતા અંગે પોર્ટના પ્રયાસો અંગે માહિતી અપી હતી. ડેનિસ પ્રતિનિધિ મંડળે કંડલા ખાતે એક મેગાવોટના
ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની પણ મુલાકાત લીધી
હતી. બાદમાં મકરસંક્રાંતિની ઉજવણીમાં પણ પ્રતિનિધિ
મંડળ જોડાયું હતું. પોર્ટના પ્રશાસનિક ભવન
ખાતે પોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ સાથે પરંપરાગત પતંગ ચગાવવાનો આનંદ
માણ્યો હતો. આ વેળાએ ડીપીએના સેક્રેટરી વાય.કે. સિંઘ, ચીફ એન્જિનીયર રવીન્દ્ર રેડ્ડી,
જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણી
વિગેરે જોડાયા હતા.