• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

છ મહિનાથી જન્મ-મરણની અરજીઓ બોર્ડ પર ન લેવાતાં રજૂઆત કરાઈ

નલિયા (તા. અબડાસા), તા. 15 : અબડાસા મામલતદાર કચેરીમાં વહીવટી કામગીરીમાં થઈ રહેલા વિલંબ અને અરજદારોની પડતર અરજીઓ બાબતે અબડાસા બાર એસોસીએશન દ્વારા આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે, કચેરીમાં જન્મ-મરણના દાખલા મેળવવાની અરજી છ માસથી પડતર છે અને બોર્ડ પર લેવામાં આવી નથી, જેના પરિણામે જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. વધુમાં રજૂઆત કરાઈ હતી કે, કોર્ટ દ્વારા કેસોમાં જે હુકમો કરવામાં આવ્યા છે તેની મહેસૂલી દફતરે (રેવેન્યૂ રેકોર્ડ) નોંધ કરવાની પણ મામલતદાર કક્ષાએ અટકાવી રાખવામાં આવી છે, જેના પરિણામે ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. વકીલોએ માંગ કરી હતી કે, જનહિતમાં તમામ પેન્ડિંગ અરજીઓ તાત્કાલિક ધોરણે બોર્ડ પર લેવામાં આવે અને કોર્ટ હુકમોની રેકર્ડ પર નોંધ કરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે. જો યોગ્ય નિકાલ નહીં આવે તો બાર એસોસીએશન દ્વારા આંદોલનની ચીમકી અપાઈ છે. બાર એસોસીએશનના પ્રમુખ લાલજીભાઈ કટુઆ, મહંમદ ખત્રી, જગદીશભાઈ ગોસ્વામી, ભરતભાઈ હોથી, આદમભાઈ લોધરા, નરેન્દ્રભાઈ જાની સહિતના ઉપસ્થિત હતા. 

Panchang

dd