• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ગાંધીધામના લીલાશાહમાં લાઈન ટેસ્ટિંગ દરમિયાન લીકેજો બહાર આવ્યા

ગાંધીધામ, તા. 15 : ગાંધીધામ-આદિપુરમાં 31 કરોડથી વધુના ખર્ચના પાણીની લાઈનો નાખવાના પ્રકલ્પમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ સરકાર સુધી કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી તપાસ થઈ નથી. આ પ્રકલ્પ હેઠળ નખાયેલી પાણીની લાઈનોનું હવે છેક ટેસ્ટિંગ થઈ રહ્યું છે અને દરમિયાન અનેક જગ્યાએ લીકેજ  બહાર આવે છે, તો અસંખ્ય ઘરોમાં કનેક્શન કરવામાં આવ્યા ન હોવા સહિતની અનેક ખામીઓ બહાર આવી રહી છે.  આ મામલે  રાજ્ય સરકાર સુધી ફરિયાદો થઈ છે, પરંતુ કચ્છથી લઈને ગાંધીનગર સુધી પાણી હલતું નથી. લોકોના ટેક્સના રૂપિયા ખર્ચાયા છે. નૈતિક જવાબદારી હેઠળ તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવાની માંગ ઊઠી છે.  આ 31 કરોડના પ્રકલ્પ હેઠળ નખાયેલી લાઈનો પૈકી મંગળવારે ગાંધીધામના લીલાશાહ વિસ્તારમાં લાઈનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ  દરમ્યાન અનેક જગ્યાઓએ લીકેજો સામે આવ્યા હતા. લાઈનોમાંથી ફુવારાની જેમ પાણી બહાર આવ્યું હતું. મામલતદાર કચેરી સહિતના રોડ ઉપર પીવાનાં પાણીનો વેડફાટ થયો હતો. લીલાશાહ વિસ્તારમાં અસંખ્ય ઘરોમાં પાણીનાં કનેક્શન કરવામાં આવ્યાં ન હોવાનું  બહાર આવ્યું હતું. આવું અનેક વિસ્તારોમાં છે. દર વખતે ટેસ્ટિંગમાં પાણીનો વેડફાટ થાય છે અને લોકોનાં ઘરોમાં કનેક્શન કરવામાં આવ્યા નથી, એટલે આ લાઈનમાંથી લોકોને પાણી મળશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન છે. અગાઉ 400 ક્વાર્ટર સહિતના વિસ્તારોના ટેસ્ટિંગ દરમિયાન તો અનેક ખામીઓ બહાર આવી હતી. હવે લીલાશાહ વિસ્તારમાં લાઈનોમાં રહેલી ક્ષતિઓ બહાર આવી રહી છે. મહાનગરપાલિકાનું તંત્ર શું પગલાં ભરે છે, તેની ઉપર બધાની નજર છે. તત્કાલીન નગરપાલિકાના નેતાઓ અને અધિકારીઓએ આ 31 કરોડથી વધુના ખર્ચના પાણીના પ્રકલ્પમાં ગંભીર બેદરકારી દાખવી હોવાના આક્ષેપો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે-તે સમયે લાઈનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ન હતું. આ પ્રકલ્પમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ગાંધીનગર સુધી ફરિયાદો થઈ છે, તેમ છતાં કોઈ પગલાં ભરાયાં નથી મહાનગરપાલિકાના કમિશનરને પણ આ બાબતની ફરિયાદ કરવામાં આવી છે. જેના પગલે લાઈનોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે ને એ દરમિયાન વ્યાપક ક્ષતિઓ ખામીઓ બહાર આવી રહી છે. આખાં પ્રકરણની તપાસ કરીને જવાબદારો સામે પગલાં ભરવા માંગ ઊઠી છે. - બગીચા માર્ગ ઉપર પાઇપની ગુણવત્તાની ચકાસણી કરવા માંગ : ભાઈપ્રતાપ સર્કલથી શિવાજી પાર્ક બગીચા અને ત્યાંથી ટાગોર રોડ સુધી વરસાદી પાણીના નિકાલ માટે નાળું  બનાવવામાં આવી રહ્યું છે.  દરમિયાન અહીં 31 કરોડના પ્રકલ્પ હેઠળ નખાયેલી લાઈનો અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની એટલે કે જી.યુ.ડી.સી.એ નાખેલી લાઈનોના પાઇપ બહાર આવ્યા છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા ટેન્ડરની શરતો મુજબ પાઇપ નખાયા છે કે નહીં, તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તેવી માંગ પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. ગુણવત્તાની ચકાસણી કરાય તો આખું સત્ય બહાર આવે તેમ છે. 

Panchang

dd