કુકમા, તા. 15 : આજે કુકમા-અંજાર તરફના ધોરીમાર્ગે
કુકમા નજીક શરૂ થતા ટોલનાકે ધરણા-વિરોધ પ્રદર્શન યોજાયા હતા. ટોલનાકે રોડ પર બેસી જઇ
બહોળી સંખ્યામાં ટ્રક ઓનર્સે `નો રોડ, નો ટોલ'નો બુલંદ સૂત્રોચ્ચાર
કર્યો હતો. એક તબક્કે અનેક ટ્રકોનાં પૈડાં થંભ્યાં હતાં. ટ્રક ઓનર્સ વેલ્ફેર ફાઉન્ડેશન
(રતનાલ)ના પ્રમુખ રાજેશભાઇ છાંગાના જણાવ્યા મુજબ રસ્તા સારી ગુણવત્તાના બનવા જોઇએ,
નવા બનતા રસ્તાનું કામ સો ટકા પૂરું થવું જોઇએ, રેલડી નજીક છાસવારે થતા ટ્રાફિકજામમાં અનેક એમ્બ્યુલન્સો અટકાઇ જવાના તથા નાના-મોટા
અકસ્માતો થવાના બનાવો બનતા હોવાથી સૌપ્રથમ રોડની કામગીરી સો ટકા સારી ગુણવત્તાથી પૂર્ણ
કરવા માંગ કરાઇ હતી. ટ્રાફિકજામની સમસ્યાના ઉકેલ બાદ ટેક્સ વસૂલ કરવા તથા રેલવે ક્રોસિંગ
પરના બ્રિજની કામગીરી પૂર્ણ કરવા જણાવાયું હતું. કંડલા-મુંદરા કન્ટેનર ટ્રાન્સપોર્ટ
વેલ્ફેર એસો.ના પ્રમુખ ભગીરથસિંહ જાડેજાએ કહ્યું હતું કે, એક
મહિના અગાઉ ગ્રા. પંચાયત અને વર્તમાનપત્રો દ્વારા આ અંગે જાણ કરવી જોઇએ, પણ અહીં તો સરમુખત્યારશાહી વલણ અપનાવી ગઇકાલે જ જાહેરાત કરાઇ કે ટોલનાકું શરૂ
થાય છે, ગયાં વર્ષનાં ચોમાસાંમાં 80 ટકા રોડ ધોવાઇ ગયો હોવાની ફરિયાદ
કરી હતી અને ઉપર સુધી રજૂઆત કરી હતી કે, સારી ગુણવત્તાના નવા રોડ ન બને ત્યાં સુધી ટોલનાકું શરૂ ન થવું જોઇએ. પ્રકાશભાઇ
ઠક્કરે કહ્યું હતું કે, આજે કમુરતાં ઊતરતાં નેશનલ હાઇવે ઓથોરિટી જાણે ભેટ આપતી હોય તેમ ટોલ ચાલુ કરે
છે, ત્યારે લોકો ટોલ ટેક્સ આપવાની ના નથી પાડતા, પણ પૂરતી સુવિધા મળે, સારા રોડ મળે, અધૂરાં કામ ઝડપથી પૂર્ણ કરાય, ડમ્પર એસો.ના પ્રમુખ શિવજીભાઇ
આહીરે પણ ખરાબ રોડ, અધૂરાં કામો, અપૂરતી
સુવિધા સાથે ઉઘરાવાતા ટોલને વખોડયો હતો. આ ધરણા-વિરોધ પ્રદર્શનમાં રતનાલ, ગાંધીધામ, આસપાસના વિવિધ ગામોના ટ્રકમાલિકો, ટ્રાન્સપોર્ટરો ઉપસ્થિત રહ્યા હતા. સુલ્તાનભાઇ, ગોપાલ
આહીર, હીરેન ખટારિયા, તેજસ આહીર,
નીતિન જરૂ, મહેશ આહીર, રાજેશ
મઢવી, રાજેશ ઠક્કર, રાજેશ માતા,
દેવજી છાંગા, નંદલાલ છાંગા, બાબુ માતા, જસા વરચંદ,
યોગેશ ઠક્કર, કુકમાના ઉપસરપંચ ભરતાસિંહ સોઢા વગેરે
જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શન બાદ કંડલા-મુંદરા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસો. દ્વારા કલેક્ટરને ટ્રક ઓનર્સ વેલ્ફેર ફાઉન્ડેશન- રતનાલ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ
ઇન્ડિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી, જેમાં ટ્રક ઓનર્સનાં
આવેદનપત્ર અનુસાર રેલડી રેલવે બ્રિજ-વરસામેડી એરપોર્ટ ચોકડી બ્રિજનું કામ પૂર્ણ કરવા
લાંબા ટ્રાફિકજામોની સમસ્યા અંગે, કુકમા અને વરસામેડી ટોલ પ્લાઝા
પર ટોલ વસૂલવો ગેરવાજબી હોવાનું જણાવતાં બંધ કરવા સહિતની રજૂઆત કરાઇ હતી. કન્ટેનર ટ્રાન્સ.
વેલ્ફેર એસો.ના આવેદનપત્રમાં જણાવાયું છે કે, વરસાણાથી ભુજનો
નવો રોડ નબળી ગુણવત્તાનો છે, જેમાં બે ટોલ આવેલા છે. અમને લોકોને
જે પાર્ટીનું કામ કરતા હોઇએ તેમને 15થી 30 દિવસમાં જાણ
કરવાની હોય છે કે, ટોલનાં કારણે
આ મુજબ કોસ્ટ વધુ લાગશે, પણ અચાનક જ જાહેરાત કરી ટોલ શરૂ કરાતાં
ટ્રકમાલિકો, ટ્રાન્સપોર્ટરો માટે આઘાત સમાન છે. ચોમાસાંમાં તૂટેલા
રોડનું સાંધા જેવું રિપેરિંગ, અધૂરાં કામથી ટ્રાફિકજામ,
અનેક ડાયવર્ઝન, બ્રિજનાં બાકી કામ, દેશમાં સૌથી વધુ ટોલનાકાં કચ્છમાં છે. રોજના પાંચ કરોડથી વધુ કલેક્શન સાથે
2000 કરોડ વાર્ષિક આવક થાય છે, જેમાં એક દિવસ પણ ખાડા-ગાબડાં વગરનો રોડ,
તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટરોને સુવિધા આપવાની જવાબદારી નેશનલ હાઇવેની
છે. આટલા રૂપિયા છતાં પણ રોડનાં નામે ખાડા, અકસ્માત, ટ્રાફિકજામની સમસ્યા મળે છે. આ સર્વે બાબતો અંગે કલેક્ટરને વિનંતી કરાઇ છે
કે પ્રશ્નો ઉકેલાય નહીં ત્યાં સુધી ટોલ વસૂલવામાં ન આવે. દરમ્યાન કચ્છમાં નેશનલ હાઇવે
341નું કામ હજુ અધૂરું છે, તેમ છતાં કુકમા તથા વરસામેડી બાજુના બંને ટોલ
ટેક્સ શરૂ કરાયા હોવાથી કચ્છના વાહનચાલકો દ્વારા વિરોધ વ્યક્ત કરાયો છે. કચ્છના વાહનચાલકોને
ટેક્સમાંથી મુક્તિ મળે તેમજ રસ્તાકામ નબળું થયું છે કે રસ્તો શરૂ પણ નથી થયો અને રિપેર
કામની જરૂરિયાત પડી રહી છે. રસ્તાકામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ વસૂલે નહીં
તેવી રજૂઆત સાંસદ અને ધારાસભ્યો દ્વારા કરવામાં આવે તેવી માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસ
પ્રમુખ વી. કે. હુંબલ દ્વારા કરાઇ હતી.