• મંગળવાર, 13 જાન્યુઆરી, 2026

મુંદરાની આતુરતાનો અંત; હવે હર `ઘર' નર્મદા `જળ'

દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 11 : દરિયાકાંઠાના નગર મુંદરામાં અગાઉ જાહેરાત થઈ ચૂકી છે અને કામ પણ ધમધોકાર ચાલી રહ્યું હતું એ ગુજરાતની જીવાદોરી સમાન માતા નર્મદાનાં નીર નળ વાટે ઘરઘર પહોંચાડવાની હવે ઘડી આવી ચૂકી છે. મુંદરાથી લગભગ ચાર-પાંચ કિલોમીટર દૂર ચીચીવાડી વિસ્તારમાં નિર્માણ પામેલા 11 એમએલડી (મિલિયન લિટર પર ડે )ની ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા નર્મદા માતાનું સ્વચ્છ જળ આગામી ગણતરીના દિવસોમાં મુંદરાવાસીઓના ઘરોઘર પહોંચી જશે. આ માટે વિવિધ મહાનુભાવોના હસ્તે મુંદરામાં  લોકાર્પણ કાર્યક્રમ યોજાવાની તૈયારીઓ ચાલી રહી છે. 16,000 ઘરમાં જોડાણ પૂર્ણ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનની અમૃત - બે યોજના હેઠળ મુંદરાની પાણી યોજના માટે મંજૂર રૂા. 27 કરોડના ખર્ચે આકાર પામેલી આ યોજના હેઠળ ચીચીવાડી ખાતે સંકુલ નિર્માણનું કામ આમ તો 2023ના અંતે શરૂ થઈ ચૂક્યું હતું, પણ હવે લગભગ બે વર્ષના ટૂંકા ગાળામાં પૂર્ણ થઈ ચૂક્યું છે અને પ્રથમ તબક્કાના મુંદરા-બારોઇ સુધરાઈ વિસ્તારના નળ જોડાણ આપી દેવાયાં છે, જે અંતર્ગત લગભગ 16,000 ઘરોમાં ટૂંક સમયમાં જ સાથે જ નર્મદાનાં નીર પહોંચી જશે.

કચ્છમિત્ર ટીમની મુલાકાત; કેવી રીતે થશે ફિલ્ટર અને ક્લોરીનેશન

અત્યાર સુધી બોર આધારિત રહેલા અને કેટલાક વિસ્તારોમાં ખારાશવાળાં પાણીનાં કારણે શારીરિક તકલીફો થાય છે એવી ફરિયાદો માટે જાણીતા રહેલા મુંદરા-બારોઈ નગરની મીઠાં પાણીની આતુરતાનો અંત કેવી રીતે આવશે એ પ્રશ્ન સાથે કચ્છમિત્રએ તાજેતરમાં નવનિર્મિત સમ્પની મુલાકાત લીધી હતી, જ્યાં ઉપસ્થિત કોન્ટ્રાક્ટર એજન્સી જય વરૂડી ઈન્ફ્રા કંપનીના ઇજનેરો તેમજ સુધરાઈના ઇજનેર હરીશ રાબડિયાએ પ્લાન્ટની પ્રક્રિયા તેમજ ખાસિયતની ટેકનિકલ વિગતો આપી હતી. તેઓએ સ્થળ પર જણાવ્યું કે, નર્મદાની પીવાનાં પાણીની પ્રાગપર પાસેથી પસાર થતી પાઇપલાઇનમાં જોડાણ મેળવીને ચીચીવાડીમાં નિર્માણ પામેલાં સંકુલ સુધી જળ પહોંચ્યું છે, જ્યાં નર્મદા રો વોટર સમ્પમાંથી પમ્પિંગ થઈને ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે એરેટરમાંથી પસાર કરવામાં આવશે, જ્યાંથી ફ્લેક્સ મિક્સરમાંથી સીએલઆરમાં અને અંતે સેન્ડ ફિલ્ટરમાંથી સ્વચ્છ થયા બાદ લોકો સુધી પહોંચતાં આ જળનું ક્લોરીનેશન કરાય છે. આ ચોખ્ખું કલોરીનેશનવાળું પાણી 20 લાખ લિટરની ક્ષમતાના સમ્પમાંથી પમ્પિંગ દ્વારા મુંદરા - બારોઈ નગરપાલિકા વિસ્તારમાં અલગ-અલગ સ્થાને આવેલા લગભગ દસ ઓવરહેડ ટેન્ક દ્વારા વિતરિત થશે. સુધરાઈ વિસ્તારના લગભગ 26,000 નળ જોડાણો માટેની આંતરિક પાઇપલાઇનનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, જે પૈકી 16,000 લોકોએ નવાં જોડાણ લઈ પણ લીધાં છે અને આ પ્રક્રિયા જારી છે. આ મુલાકાત દરમિયાન સુધરાઈ ઇજનેર શ્રી રાબડિયા સાથે સુધરાઈના સમ્પ સ્થિત કર્મચારીઓ અબ્દુલ કુંભાર અને ફકીરમામદ કુંભારે પણ પૂરક વિગતો પૂરી પાડી હતી.

Panchang

dd