• મંગળવાર, 13 જાન્યુઆરી, 2026

કંડલા એરપોર્ટ રન-વે વિસ્તરણ માટે 18 કરોડ મંજૂર

ગાંધીધામ, તા. 11 : કંડલા બંદરના ભાવિ પ્રકલ્પોને ધ્યાનમાં રાખીને વર્તમાન કંડલા વિમાની મથકમાં મોટા એરક્રાફ્ટ ઊતરી શકે તે માટે હયાત રન-વે  વિસ્તરણ માટે વ્યાપક સ્તરે રજૂઆતો કરાઈ હતી, જેને મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા રન-વેનાં વિસ્તરણ સહિતની કામગીરી માટે માતબર રકમ ફાળવી એજન્સીને કામ પણ સોંપવામાં આવ્યું છે. ટૂંક સમયમાં શરૂ થનારા વિકાસનાં આ કામ પૂરાં થયા બાદ વિમાની મથકની ઓપરેશનલ ક્ષમતા વધશે અને કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામને સુરક્ષિત અને સગવડતાભરી હવાઈસેવા મળશે. એરપોર્ટના રન-વેનાં રિસર્ફેસિંગ, રિકોટિંગ, વાઈડનિંગ અને રન-વેની લંબાઈ વધારવાના 150 મીટરનાં કામને મંજૂરી આપવામાં આવી છે અને 18 કરોડનો કોન્ટ્રાક્ટ  આપવામાં આવ્યો છે. રન-વેની લંબાઈ આ વિસ્તરણ બાદ 1750 મીટર જેટલી થશે અને મોટાં વિમાનો ઉતારવા શક્ય બનશે. આ અંગે ચેમ્બર પ્રમુખ મહેશ પુજે જણાવ્યું હતું કે, કંડલા અરેપોર્ટના વિકાસ માટે ગાંધીધામ ચેમ્બરે છેલ્લા અનેક વર્ષોથી સચોટ દિશામાં સતત પ્રયાસ કર્યા છે. રન-વે વધારવાની આવશ્યક્તા નિર્દેશિત કરવા માટે સ્થાનિક સ્તરે સર્વે અને મેસર્સ જેકોબ્સ સોલ્યુસન ઈન્ડિયા દ્વારા ટેકનિકલ અને ફિઝિબિલિટી અંગેનો અભ્યાસ કરાવાયો હતો. દિલ્હી સ્થિત સિવિલ એવીએશન મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રીઓ, અધિકારીઓ, ચેમ્બરના પ્રતિનિધિઓ અને એવીએશન સલાહકાર કંપની સાથે વિસ્તૃત પ્રેઝેન્ટેશન પણ રજૂ કરાયું હતું. ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આ મામલે બેઠકો ઉપરાંત ઝૂમ મિટિંગનું પણ આયોજ કરાયું હતું. ડીપીએના અધિકારીઓ, ડી.પી. વર્લ્ડના પ્રતિનિધિઓ અને ઉદ્યોગજગતના હિતધારકોને સાથે રાખીને કંડલા-ગાંધીધામ સંકુલની ભવિષ્યની આવશ્યક્તાઓ અંગે વ્યાપક દૃષ્ટિકોણ રજૂ કરાયો હતો. પોર્ટ, લોજિસ્ટિક, શિપિંગ, ઉદ્યોગને જરૂરી હવાઈસેવા ઉપલબ્ધ થાય તો સમગ્ર વિસ્તારની આર્થિક ગતિ વધશે તેવો મુદ્દો સતત મજબૂતીથી રજૂ કરાયો હતો, જેનાં પરિણામે આજે સ્પષ્ટ  દેખાઈ રહ્યા હોવાની આશા બંધાઈ છે. ચેમ્બરના માનદ્મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, કંડલા વિમાની મથકના વિકાસ માટે ચેમ્બરના પ્રયત્નો લાંબા સમયથી ચાલુ છે. પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડના કાર્યકાળથી શરૂ થયેલ રન-વે વિસ્તરણ મોટી ફ્લાઈટનાં ઓપરેશન અને અરે કનેક્ટિવિટી વધારવાના પ્રયાસોને વર્તમાન પ્રમુખ મહેશ પુજે આગળ વધાર્યા છે. ચેમ્બરના સતત ફોલોઅપનાં કારણે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું હતું. ચેમ્બર દ્વારા કેન્દ્રીય સિવિલ એવીએશન મંત્રી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. કંડલા -મુંદરા બાદ આગામી સમયમાં  તુણા ડી.પી. વર્લ્ડ કન્ટેનર પોર્ટ કાર્યરત થશે, ત્યારે કંડલા એરપોર્ટનું મહત્ત્વ વધશે. આ વિકાસથી સમગ્ર કચ્છ એક મજબૂત આર્થિક લોજિસ્ટિક હબ તરીકે વિકસશે, વિસ્તરણ પૂર્ણ થયા બાદ કંડલા અરેપોર્ટ ખાતે જરૂરી બેઝિક અને તકનીકી સુવિધાઓ મજબૂત બનશે. ભવિષ્યમાં ટર્મિનલ સુધારા, બેઠકો વધારાની સુવિધા, પાર્કિંગ, કાર્ગો, કાર્ગો હેન્ડલિંગ, નાઈટ લેન્ડિંગ જેવી સુવિધાઓના વિકાસની નવી સંભાવનાઓ ઊભી થશે.

Panchang

dd