• મંગળવાર, 13 જાન્યુઆરી, 2026

ક્રિકેટ પ્રતિભા નિખારવા માટે માહોલ-મંચ જરૂરી

ભુજ, તા. 11 : આગેકૂચ માટે પ્રતિભા તો અનિવાર્ય છે, પણ સાથે જ એ પ્રતિભાને નિખાર આપતો મંચ અને માહોલ પણ જરૂરી છે. કંઇક એવું જ પ્લેટફોર્મ ઊભરતા ટેલેન્ટને આપતી પ્રતિષ્ઠિત કચ્છમિત્ર એન્કર કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આજે અહીંના સુંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરથી આરંભ થયો હતો.  આ તકે કચ્છના પોલીસવડા વિકાસ સુંડાએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ રમતોની રાષ્ટ્રીય સ્તરની સુવિધા વિકસતી હોવાની જાહેરાત કરી હતી. વિક્રમી 62 ટીમને સાંકળતી કચ્છમિત્ર આયોજિત અને કચ્છ ક્રિકેટ એસોસિયેશન સંચાલિત આ હાઇસ્કૂલો માટેની સ્પર્ધાના આરંભે કચ્છમિત્ર દ્વારા અન્ય રમતોની ટૂર્નામેન્ટ પણ યોજવાની જાહેરાત કરાઇ હતી. પશ્ચિમ કચ્છ પોલીસનાં મેદાન ઉપરાંત ભુજમાં સ્પીડી એકેડેમીના ગ્રાઉન્ડ, રતનાલમાં રતનાલ સ્પોર્ટસ ક્લબના સંતશ્રી વલ્લભદાસજી સ્ટેડિયમ તથા મસ્કામાં મસ્કા ક્રિકેટ એકેડેમીનાં મેદાન પર ટર્ફ પીચો પર આ સ્પર્ધા રંગ જમાવશે. કચ્છ માટે નિસબત ધરાવતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા સાથે પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડાએ ટોસ ઉછાળીને સ્પર્ધાનો આરંભ કરાવ્યો હતો. આ સાથે જ દસ દિવસ માટે કચ્છમાં ક્રિકેટ ફીવર ફરી વળશે.

પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં અનેક ખેલ સુવિધાઓ

વિકાસ સુંડાએ પોલીસ પરેડ ગ્રાઉન્ડને આ સ્પર્ધાની મેચો ફાળવવા બદલ કચ્છમિત્રનો આભાર માનતાં કહ્યું હતું કે, આ મેદાન પર અનેક રમત-ગમતની સવલતો વિકસી રહી છે અને વિકસવાની છે. બે મહિનામાં અહીં ચેન્જ રૂમ અને શૌચાલય બનાવશું. સાથે જ આ મેદાન સાથેના ગ્રાઉન્ડ પર રાષ્ટ્રીય સ્તરનું ફૂટબોલ મેદાન તૈયાર થઇ રહ્યું છે. 25 દિવસમાં એ બની જશે. અહીં બોક્સ ક્રિકેટની સાથે વોલીબોલ કોર્ટ અને નેશનલ લેવલની બાસ્કેટબોલ કોર્ટ છે. પિકલબોલ કોર્ટ છે. પ્રવેશદ્વાર પણ બનાવશું. ક્રિકેટ સિવાયની રમતો ખેલાડીઓ માટે પ્રારંભિક તબક્કે નિ:શુલ્ક રાખવાની અમારી તૈયારી છે. તમામ ખેલાડીઓ માટે આ સ્પોર્ટસ સંકુલનાં દ્વાર ખુલ્લાં રહેશે.

કચ્છમિત્ર અન્ય રમતોનું પણ આયોજન કરશે

હાર્દિકભાઇ મામણિયાએ માહોલને ઓર જીવંત બનાવતાં કહ્યું હતું કે, 40 વર્ષ પહેલાં કચ્છમિત્રએ શરૂ કરેલી ખેલાડીઓ માટે મહત્ત્વની આ ટૂર્નામેન્ટની પરંપરા આજે વધુ ઊજળી બની છે અને આ વખતે રેકોર્ડ 62 ટીમે ભાગ લીધો છે. દામજીભાઈએ લાંબા સમયથી સ્પર્ધાને સ્પોન્સર કરવાનું શરૂ કર્યું, આ પહેલ તેમના સુપુત્ર સંજયભાઈ એન્કરવાએ જારી રાખી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી સંજયભાઇ શાહે ખેલાડીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો અને  ટ્રસ્ટી સંજયભાઈ શાહે વિક્રમી ટીમો જોડાઇ તેને લઇને આનંદ વ્યક્ત કર્યો હતો અને કચ્છના વધુ ને વધુ ખેલાડીઓ ઉચ્ચ સ્તરે રમે તેવી શુભકામના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કચ્છમિત્રના દીપકભાઇ માંકડ, મુકેશભાઇ ધોળકિયા, નિખિલભાઇ પંડયા, હુસેનભાઇ વેજલાણી, કે.સી.એ.ના ઉપપ્રમુખ ભરતભાઇ ધોળકિયા, સહમંત્રી પ્રવીણ હીરાણી, માધાપર નવાવાસના અગ્રણી અરજણભાઇ ભુડિયા, જીમખાના સ્પોર્ટસ સેન્ટરના સેક્રેટરી મહિપતસિંહ રાઠોડ, અગ્રણી જ્વેલર્સ હિતેશભાઇ પ્રભુદાસ ગુજરાતી, હર્ષદ ઠક્કર (હકી), જયેન્દુ શુક્લ, જયેશ મહેતા, વસંત અજાણી, ક્યુરેટર ઇકબાલ જત, કચ્છમિત્ર પરિવારના ગિરીશ જોશી, મુંજાલ સોની, કૌશલ પાંધી, કેયૂર વૈદ્ય, હેમંત ચાવડા, પ્રશાંત જોશી, અનંત ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મહેશ સોનીએ સંભાળ્યું હતું.

કચ્છમિત્ર કપ : આજથી સ્પીડી-ભુજ, રતનાલ અને મસ્કામાં પણ મેચોનો આરંભ

ભુજ, તા. 11 : કચ્છમિત્ર એન્કર કપમાં આવતીકાલથી ભુજના સ્પીડી ક્રિકેટ ગ્રાઉન્ડ, મસ્કાના એમ.સી.એ.નાં મેદાન તથા રતનાલના સંત શ્રી વલ્લભદાસજી સ્ટેડિયમમાં પણ મેચોનો આરંભ થશે. 20મી ડિસેમ્બરે બે સેમિફાઇનલ રમાશે.

Panchang

dd