• શનિવાર, 12 જુલાઈ, 2025

રાવળપીર સમાધિ મંદિર સોનેરી કાચ વડે ચાર મહિનાના વ્યાયામ પછી મઢાયું

મોટા ભાડિયા (તા. માંડવી), તા. 11 : તાલુકાના ગુંદિયાળી ગામના વલસરા વિસ્તાર સ્થિત સીમાડામાં અને મસ્કા ગામની દક્ષિણે રાવળપીર દાદાનુ મંદિર આવેલું છે. અહીં મુખ્ય બે મંદિર આવેલાં છે, પહેલું જ્યાં દાદાના ઘોડા બિરાજમાન થયા છે તે મોટું સ્મારક મંદિર અને તેની પાછળ જ જ્યાં રાવળપીર દાદાએ સમાધિ લીધી હતી  તે સ્થળે જ સમાધિ મંદિર આવેલું છે. આ સમાધિ મંદિરને તાજેતરમાં રાવળપીર દાદા મંદિર વિકાસ ટ્રસ્ટ પરિવારની મુંબઈ સ્થિત શાખા રાવળપીર દાદા પેડી ઉત્સવ સમિતિના આર્થિક સહયોગથી સોનેરી કાચથી મઢાવવામાં આવ્યું છે. દિલ્હીથી આવેલા આ બારીક કામના કારીગરો દ્વારા લગભગ ચારેક મહિના સુધી ચાલેલા આ કામને આકાર મળ્યા બાદ  આ મંદિરની ભવ્યતા અને દિવ્યતામાં વધારો થયો હોવાથી અત્રે આવતા યાત્રાળુઓમાં ખુશી સાથે આનંદની લાગણી વ્યાપી  ગઈ હોવાનું ટ્રસ્ટના પ્રમુખ હિરજીભાઈ શાહ અને ઉપપ્રમુખ વિજયભાઈ કરસનભાઈ ગઢવીએ જણાવ્યું હતું. આ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને પેડી સમિતિના આગેવાન ખાનજી નારાયણજી ધલ અને સમિતિના મુંબઇ સ્થિત  સમર્પિત તમામ સેવકગણના સહારે દસ લાખ જેટલી માતબર રકમથી આ કાર્ય સંપન્ન થયું હોવાનું ખાનજીભાઈએ જણાવ્યું હતું. ટ્રસ્ટીઓ રાહુલભાઈ ગોર, રાજદેભાઈ ગઢવી, રતનભાઇ ગઢવી, રામસંગજી જાડેજા, પ્રકાશભાઈ નાથાણી, સામરાભાઈ ગઢવી, કીર્તિભાઈ ગોર સહિતનાઓએ આનંદની લાગણી વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, આ દેવાલયે આવતા યાત્રાળુઓ-ભાવિકોની સુખાકારીમાં દિવસોદિવસ થઈ રહેલા વધારાથી ખુશીની લાગણી ફેલાઈ છે. અહીં ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્ર, પર્યાવરણ સંરક્ષણ સહિતની પ્રવૃત્તિઓ ઘણા સમયથી ચાલી રહી હોવાનું ટ્રસ્ટી  કરસન ગઢવીએ જણાવ્યું હતું. પૂજારી પરિવારના જેઠુભા જાડેજા, નાનુભા, પપુભા, ગોવુભા, મહેતાજી શાંતિલાલ મોતા સહયોગી રહ્યા હતા. 

Panchang

dd