કેરા, તા. ભુજ, તા. 6 : રાજ્યભરમાં શાળાકીય હરીફાઈઓમાં રમતગમત ક્ષેત્રે દાયકાઓથી
જેનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું છે તેવી ભુજની માતૃશ્રી આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયના
છાત્રો માટે મિરજાપરના યુવા દાતા ધનસુખભાઈ અને નીલેશભાઈએ સ્વર્ગીય પિતા ભીખાલાલભાઈના
આત્મશ્રેયાર્થે 10 લાખ રૂપિયાની મેટ દાનમાં
આપી હતી. શારીરિક સજ્જતા માટે જીમનાં આધુનિક સાધનો પણ વસાવી આપશું તેવા પ્રતિભાવ સાથે
કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા ધનસુખ સિયાણીએ કબડ્ડી,
કુસ્તી અને ઊંચી કૂદની 10 લાખની કિંમતની મેટ છાત્રોને અર્પણ કરી હતી. સમાજના છાત્ર-છાત્રાઓ
માટે વખતોવખત સુવિધા આપતા આ પરિવારના મોભી કે જેઓ કચ્છી લેવા પટેલ સમાજ ભુજના ઉપપ્રમુખ
પદે સેવાઓ આપી હતી. હાલના સમાજની ભૂમિ સમથળ કરવામાં શ્રમ સહિતનું દાન કરનાર ભીખાલાલભાઈનો
સમાજપ્રેમ પુત્રોમાં દેખાય છે તેવું કહેતાં સંસ્થાના ઉપાધ્યક્ષ કેસરાભાઈ પિંડોરિયાએ
સરાહના કરી હતી. દાતાને દાન માટે પ્રેરનાર રામજીભાઈ સેંઘાણીએ આભાર માનતા છાત્ર ખેલાડીઓને
વધુ મહેનત કરવા કહ્યું હતું. દાતા ટ્રસ્ટી લક્ષ્મણભાઈ રાઘવાણી ઉપસ્થિત રહ્યા હતા. સંકલન
આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયના ટ્રસ્ટ વતી સંચાલક વસંત પટેલે કરતાં ઉમેર્યું કે ધનસુખભાઈ
જ્યારે યુવક સંઘમાં પ્રમુખ બન્યા ત્યારથી સમાજની રમતગમત અને શૈક્ષણિક સન્માન, પ્રવાસની
ગુણવત્તા વધુ સારી થઈ હતી. બાળકોએ નવી મેટ ઉપર પ્રેક્ટિસ પ્રદર્શન કરી દિલ જીત્યા હતા.
પ્રારંભે હનુમાનજી મહારાજ પાસે નાળિયેરથી પૂજન કરાયું હતું અને ચાલીસાના પાઠ કરાયા
હતા. આર.ડી.ના રાજ્ય, રાષ્ટ્રસ્તરે શાળાકીય રમતમાં ભાગ લેનારા છાત્રોનું સન્માન કરાયું
હતું. સંસ્થાના કોચ અને ગૃહપતિએ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.