કાઠડા (તા. માંડવી), તા.
6 : માંડવી અને કાઠડા વિસ્તારમાં એરસ્ટ્રીપ નિર્માણ હેતુ 587 એકર ગૌચર જમીન ફાળવવાનો
હુકમ કરાયો હતો. જો કે, આ જમીન ફાળવણીમાં નિયમોનો ભંગ કરાયાના આક્ષેપ સાથે આ મુદ્દો
સતત ગૂંચવાતો જોવા મળી રહ્યો છે. 2015ની ગૌચર નીતિ મુજબ માંડવી વિસ્તારમાં 516 એકર
ગૌચર જમીનની ઘટ જોવા મળી રહી છે ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ થાય તેવી માગણી
થઇ રહી છે. માંડવીના ગૌચર સર્વે. નં.370 પૈકીની 375 એકર અને કાઠડા ગામનાં ગૌચર સર્વે.
નં.357 પૈકીની 212 એકર મળી બંને ગામોની
587 એકર ગૌચર જમીન માંડવી એરસ્ટ્રીપના વિસ્તાર
માટે કલેકટર દ્વારા 13 ફેબ્રુઆરી, 2024ના લઈ લેવાનો હુકમ કરાયો હતો. ગુજરાત સરકાર
2015માં રાજ્યની ગૌચર નીતિ નક્કી કરેલ છે એના
કોઈપણ પ્રોજેક્ટ માટે શક્ય હોય ત્યાં સુંધી ગૌચર જમીન નહીં આપવાનું નક્કી કરેલ
છે અને જો અન્ય કોઈ જમીન ઉપલબ્ધ ન હોય તો જ ગૌચર જમીન લેવાનું એમ નક્કી કરેલ છે અને જો કોઈ હેતુ માટે ગૌચર જમીન લેવામાં આવે તો
જે-તે ગામને તેટલી જ જમીન ગૌચર તરીકે નીમ કરવાની
રહેશે. માંડવીના એરસ્ટ્રીપ વિસ્તાર માટે બંને ગામોની ગૌચર જમીન લઈ લેવામાં આવી પરંતુ
કાઠડાને 8 કિમી દૂર નાના લાયજા ગામે અને માંડવીને 35 કિમી દૂર બાંભડાઈ ગામે ગૌચર જમીન આપવામાં આવી છે. નાના લાયજાની જમીન દરિયાકાંઠા વિસ્તાર પૈકીની છે
અને ત્યાં ઘાસ ઉગે નહીં તેવી જમીન છે, જ્યારે
બાંભડાઈ ગામની જમીન તો ઔદ્યોગિક વિસ્તારમાં આપવામાં આવેલ છે. 35 કિમી દૂર કલેકટરે
રાજ્ય સરકાર દ્વારા 2015માં નક્કી કરવામાં
આવેલી ગૌચર નીતિનો ભંગ કર્યાનો આક્ષેપ કરાયો છે. માંડવી ગામની જમીન 1965માં 2600 એકર ગૌચર તરીકે નીમ કરાઈ હતી. આ વિસ્તારના
અગ્રણી વિજયભાઈ ગઢવી દ્વારા આખીય ગૌચર જમીનની માપણી કરાઈ તો માંડવીની 717 એકર ગૌચર
જમીન થાય છે, જેમાંથી 375 એકર તો કલેકટરે
હુકમ કરીને એરસ્ટ્રીપ માટે આપી દીધી છે તેના પછી 193 એકર ગૌચર જમીન બાકી રહે છે. હવે
માંડવીની પશુ સંખ્યા 3116 છે તે મૂજબ માંડવીને 1246 એકર ગૌચર જમીનની જરૂરત રહે, તેના
બદલે માંડવીની બાકી રહેલ 193 અને બાંભાડાઈ
ગામે આપવામાં આવેલ 537 એકર ગૌચર જમીન ભેગી કરીએ તોય 730 એકર ગૌચર જમીન થાય છે અને ગુજરાત
સરકારની 2015ની ગૌચર નીતિ મુજબ 516 એકર ગૌચર જમીનની માંડવી માટે ઘટ રહે છે. આમ જેના
ઉપર નિયમો પાલન કરાવવાની જવાબદારી છે તે કચ્છના કલેકટરે જ માંડવી અને કાઠડા ગામની ગૌચર
જમીન તબદીલ કરવાના હુકમમાં નિયમોનો સંદ્તર ભંગ કર્યો છે તેવા આક્ષેપ સ્થાનિક જાગૃત
નાગરિકો ઊઠાવી રહ્યા છે.