• શુક્રવાર, 26 જુલાઈ, 2024

ગરડા પંથકમાં સમયસરના વરસાદથી ખેડૂતોમાં આનંદ

કિશોરસિંહ જાડેજા દ્વારા : વાયોર (તા. અબડાસા), તા. 9 : અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં આવેલા વાયોર, ઉકીર, વાગોઠ, ફુલાય, વાગાપદ્ધર, ભોઆ, સારંગવાડા, ચરોપડી મોટી -નાની, કરમટા, અકરી મોટી, રામવાડા, નવાવાસ, બેર મોટી-નાની, રોહારો, હોથીયાય, વલસરા, કેરવાઢ, કોષા જેવા ગામોમાં મેઘરાજાની સમયસરની પધરામણીથી આ વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થતાં આ વિસ્તારના તમામ ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે અને વાવણીમાં જોડાઈ ગયા છે.  આ અગાઉ વાયોરને લગતા તમામ ગામોમાં આશરે 4000થી વધારે 40 કિલોના મગફળીના બાચકાં વેચાઈ ગયાં છે. મગફળી આ વિસ્તારમાં જી-2 સૌથી વધારે લોકપ્રિય ગણાય છે. એક કિલોના રૂપિયા 115થી 120 સુધીનાં મગફળી બિયારણના ભાવે વેચાય છે. એક એકરમાં આશરે 27થી 30 કિલોની ટ્રેક્ટર દ્વારા વાવણી થાય છે. આમ તો આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં સૌથી વધારે મગફળીનું વાવેતર થાય છે. આ વખતે સૌથી વધારે મગફળીનું વાવેતર થયું છે તેમજ તલી, એરંડા જેવા પાકોનું પણ સારા પ્રમાણમાં વાવેતર થાય છે એવું ખેડૂતોનું કહેવું છે. વાયોરના ખેડૂતો મગફળીનાં વાવેતર સાથે એનો ચારો સારા પ્રમાણમાં થાય છે, જે પશુધન માટે ઉપયોગી છે. એક કલાકના રૂપિયા 800થી 900 સુધી ટ્રેક્ટર મારફતે વાવણીના ભાવ લેવાય છે.  ધરતીકંપ પછી  દર વર્ષે ચોમાસામાં સારો વરસાદ થાય છે, જેથી ચોમાસામાં આ વિસ્તારના ખેડૂતો રોકડિયા પાકો તરફ વધારે ધ્યાન આપે છે. મગફળી, તલી, એરંડા તેમજ પિયતવાળી જમીનમાં કપાસ, એરંડા, શિયાળામાં ઘઉં, ઉનાળામાં બાજરો તેમજ સૌથી ઓછું વાવેતર મગ, મઠ, ગુવાર, જુવારનું થાય છે. આ વિસ્તારમાં ચોમાસામાં બાજરાનું વાવેતર લગભગ કોઈ પણ ખેડૂત કરતા નથી. બાજરાનું વાવેતર પિયતવાળી જમીનમાં ઉનાળુ બાજરી વાવેતર કરતા હોય છે. શિયાળામાં ઘઉંનું વાવેતર કરતા હોય છે તેમજ કંપાસનું વાવેતર કરતા હોય છે એ પણ પિયતવાળી જમીનમાં ચોમાસામાં સૌથી વધારે મગફળી, તલી, એરંડા, મગ, મઠ, ગુવારનું પણ વાવેતર કરતા હોય છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang