ભુજ, તા. 30 : અહીંનું
કલાવારસો ટ્રસ્ટ દર વર્ષે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરે છે. આ વખતે એક જ સપ્તાહમાં
વિશ્વ સંગીત દિવસ, યોગ દિવસ અને કચ્છીઓનું નવું વર્ષ એટલે કે આષાઢી બીજ આમ, આ ત્રિવિધ તહેવારોને ઊજવવા રુહ જી રેયાણ તારીખ 28 જૂનના
સવારે 10 વાગ્યેથી ભુજ ટાઉનહોલ ખાતે યોજવામાં આવી, જેમાં કલાકારોનાં
સ્નેહમિલનમાં કચ્છના વડીલ કલાકાર ગોપાલ નજાર, કિમર જત,
એમનાબેન મીર, રાજબાઈ પારાઘી, દેવીબેન આહીર અને મુશા પાડાના હસ્તે દીપ પ્રાગટયથી સવારના કાર્યક્રમનો
શુંભારાભ કરવામાં આવ્યો હતો. પહેલી વખત એક સાથે કચ્છના લોકસંગીતના 427 લોકકલાકારો
આ રેયાણમાં ભેગા થયા હતા અને આ ત્રિવિધ તહેવારોની ઉજવણી કરીને કચ્છના લોકવારસાને
જાળવી રાખવા સંકલ્પ લીધો હતો. તનીષા ખાને સૌ કલાકારોને આવકાર્યા અને ભારમલ સંજોટે 12 વર્ષની
મુસાફરીનું પ્રેઝન્ટેશન કરીને કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. સાત કલાકાર સાથે
શરૂ કરેલી સંસ્થાએ આજે 495 કલાકારને જોડયા છે અને તેઓ સાથે
સંગીત રેયાણ, રિયાઝશાળા, દસ્તાવેજીકરણ અને સામાજિક સુરક્ષા જેવી
કામગીરી કરી છે અને જે-જે કલાકારોએ આ મુસાફરીમાં સાથે રહ્યા હતા તેઓની યાદો તાજી
થઈ હતી, ત્યારબાદ, કલાકારોના મંતવ્ય
લેવામાં આવ્યા હતા. કલા અને કલાકારો માટે વિવિધ યોજનાઓનું માર્ગદર્શન પૂરું
પાડવામાં આવ્યું અને આગળની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલાકારોએ પોતાના
અનુભવો શેર કર્યા હતા તેમજ સંસ્થાના દાતા દેવેન્દ્રભાઈ શાહે કલાકારોને આગળ વધવાની
શુભેચ્છાઓ પાઠવી અને આવી જ રીતે બધા કલાકારો આગળ વધે અને કચ્છને ગૂંજતો રાખે તેવી
લાગણીઓ વ્યક્ત કરી હતી. સાંજના કાર્યક્રમમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહન
પટેલના અધ્યક્ષપદે અને લીલાધર ફોરવર્ડર્સ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર દેવેન્દ્રભાઈ
શાહ, વિશેષ ઉપસ્થિત ફોકિઆના નિમિષ ફડકે, કલાતીર્થ સુરતના રમણીક ઝાપડિયા, વરિષ્ઠ પત્રકાર
કીર્તિભાઈ ખત્રી, સંસ્થાના ઉપપ્રમુખ દાના ભારમલ સહિતના હાથે
દીપ પ્રાગટયથી રુહ જી રેયાણનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ડો.
કશ્મીરાબેન મહેતા, કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર બુલબુલ
હિંગલાજિયા, ઝવેરીલાલ સોનેજી, નરેશ
અંતાણી, સંજય ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના
મેનેજિંગ ટ્રસ્ટી ભારમલ સંજોટે હેતુ સમજાવ્યો હતો અને કલાપ્રેમીઓને આવકાર્યા હતા.
કલા અને કલાકારો માટે છેલ્લા 12 વર્ષથી સંસ્થાએ કરેલી કામગીરીનું
ભારમલ સંજોટ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું, ત્યારબાદ કલાકારોના અનુભવો શેર કરવામાં
આવ્યા હતા. કલા અને કલાકારો માટે કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શનનું કાવ્ય જેઠી
દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ગાયન-વાદન ક્ષેત્રે
વર્ષોથી સંગીતસાધના કરતા કલાસાધકોને કલાવારસો ભૂષણ-202પ
માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. મહેમાનોના પ્રવચનમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ
મોહન પટેલે કલાવારસો સંસ્થાને સાથે રાખી કચ્છ યુનિવર્સિટીમાં લોકસંગીતના
સર્ટિફિકેટ કોર્સ ચાલુ કરવા આમંત્રણ આપ્યું હતું. ફોકિઆના મેનેજિંગ ડાયરેક્ટર
નિમિષભાઈ ફડકે કહ્યું કે, આ કામ આસાન નથી, પરંતુ કલાવારસોએ જે રીતે કામ કર્યું
તે અભિનદનને પાત્ર છે. આગળ આવી રીતે વધે તે માટે ફોકિઆ સંસ્થા સાથે છે અને
ત્યારબાદ વિવિધ વિસ્તારથી આવેલા કલાકારોએ પોતાની વિવિઘ સંગીતશૈલીઓ રજૂ કરી હતી અને
શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. શંકરદાન બારોટ, તનીષા ખાન,
હરેશ પરમાર, મોહન આહીર, નીલેશ
જોષી, નારાણ ખરેટ, કરમશી જોગણિયા,
કાવ્ય જેઠી, હાજા સંજોટ, પૂંજા સંજોટ અને ગુરુ સંજોટે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સંચાલન સુચારુ રૂપે પંકજભાઈ ઝાલાએ કર્યું હતું.