ગિરીશ એલ. જોશી દ્વારા : માતાના મઢ, તા. 30 : યાત્રાધામ પ્રવાસન બોર્ડ દ્વારા માતાના મઢ ખાતે 33 કરોડના ખર્ચ બાદ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી ચાચરાકુંડ સુધીનો માર્ગ ટેન્ડરમાં હોવા છતાં પણ તે નહીં બનતા, બજારચોકથી માંડી મંદિરના ગેટ નંબર-3 સુધીનો વિસ્તાર વરસાદી પાણીથી કાદવ- કીચડથી ભરાઈ ગયો છે. ભૌગોલિક રીતે આખા ગામનું વરસાદી પાણી માતાના મઢના બજારચોકમાંથી મંદિરના ગેટ નંબર-3 તરફથી વર્ષોથી વહી નીકળતું આવ્યું છે. આ વખતે મંદિરના બહારના ભાગે દીપમાલા સ્થંભ તેમજ અંદાજે 10 ગુંઠા જમીન ઉપર લાદી પાથરવામાં આવી છે, જેનું જમીન લેવલ ઊંચું થઈ જતાં વરસાદી પાણી અહીં અટકી રહ્યું છે. એટલે, યાત્રિકો તેમજ ગ્રામજનો વ્યંગ કરતા કહી રહ્યા છે કે, વિકાસે વરસાદી પાણીનાં વહેણ અટકાવ્યાં. 33 કરોડના ખર્ચે પ્રવાસન બોર્ડ દ્વારા અહીં મંદિરનું પ્રાંગણ, ચાચરકુંડ, ખટલાભવાની મંદિર તેમજ રૂપરાઈ તળાવ બનાવવા ચાર જેટલા પ્રોજેક્ટ હાથ ધરાયા હતા, જેમાં માતાના મઢના તમામ માર્ગો છેક ચાચરાકુંડ સુધી બનાવવાના હતા. આ માર્ગો આજે ગટર યોજનાનાં કામો થકી ખોદાઈ ચૂક્યા છે. નવા માર્ગ બન્યા નથી. આવા અધૂરા કામોનું લોકાર્પણ પણ થઈ ચૂક્યું છે. હવે આ રસ્તાઓ બનશે કે કેમ ? એવા પ્રશ્નો ઊઠી રહ્યા છે. આ રસ્તાઓ ઉપર નવી સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે, પણ આ આખે આખો માર્ગ બન્યો નથી એનું શું ? એ પ્રશ્ન યાત્રિકો પણ ઉઠાવી રહ્યા છે. મઢ ગ્રામ પંચાયતના વહીવટદાર તેમજ તલાટીમંત્રીએ પ્રાંત અધિકારી સૂરજ સુથારને પત્ર લખી જણાવ્યું હતું કે, ગેટ નંબર- 3 પાસે વિકાસકામો અર્થે જમીનનો ભાગ ઊંચો થઈ જતાં વરસાદી પાણી બજારચોકમાં અટકી રહ્યાં છે, જેનાથી કીચડ ફેલાય છે. સત્વરે આ માર્ગ બનાવી સમસ્યાનો નિકાલ જરૂરી છે. આ બાબતે નખત્રાણા પ્રાંત અધિકારીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ગ્રાંટના અભાવે માર્ગોનાં કામ થયા નથી. વિકાસકાર્યોનો પ્રથમ તબક્કો પૂરો થયો છે. બીજા તબક્કામાં આ માર્ગોનાં કામ તેમજ અન્નક્ષેત્રનાં બિલ્ડિંગનું કામ કરવામાં આવશે. ગુજરાત પ્રવાસન બોર્ડ દ્વારા ઠેરઠેર વિકાસકામોના બોર્ડ લગાવી દેવાયા છે. કરોડોના વિકાસમાં મહત્ત્વના માર્ગો બન્યા નથી. તા. 21/9/2025થી આસો નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. લાખો માઈભક્તો દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીનાં દર્શન કરવા માતાના મઢ આવવાના છે. ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે. અનેક વખત માતાના મઢમાં નવરાત્રિ દરમ્યાન વરસાદ પડી ચૂક્યો છે. આવું બનશે તો ઠેરઠેર ગંદકી-કાદવ-કીચડ જોવા મળશે, તેવું લોકો સ્પષ્ટ માની રહ્યા છે. વહેલી તકે પ્રવાસન બોર્ડ આ બાબતને ધ્યાને લઈ તમામ માર્ગો જે મંદિરને જોડતા છે તે બનાવે તેવી માંગ ઊઠી રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું છે. છતાં તંત્ર દ્વારા અહીંના માર્ગો હજુ સુધી બન્યા નથી, તેના કારણે ભાવિકોમાં વધુ નારાજગી ફેલાઈ રહી છે.