ગાંધીધામ, તા. 30 : કંડલામાં
કેમિકલ ખાલી કરીને નીકળેલાં એક જહાજમાં ઓમાન નજીક અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ભારતીય
નૌકાદળે આ આગને કાબૂમાં લેવા પ્રયત્નો કરી દરિયાઈ દુર્ઘટનાને ટાળવામાં સફળતા મેળવી
હતી. કંડલા બંદરે કેમિકલ ખાલી કરીને એમ.ટી.યી ચેંગ-6નંબરનું જહાજ આજે સવારે ઓમાનના
શિનાસ તરફ જવા રવાના થયું હતું. દરમ્યાન મધદરિયે પહોંચતાં જહાજના એન્જિનરૂમમાં
અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે સંપૂર્ણ પાવર ખોરવાઈ ગયો હતો. જહાજના કપ્તાને
સ્ટીલ્થ ફ્રિગેટ આઈ.એન.એસ. તબરને આ બનાવની જાણ કરી હતી. ભારતીય નૌકાદળે અગ્નિશમન
ટીમ, હેલિકોપ્ટર
સાથે આ જગ્યાએ તાબડતોબ પહોંચી ગઈ હતી. આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ
મેમ્બર પણ સવાર હતા. ભારતીય નૌકાદળે ત્યાં પહોંચ્યા બાદ આગને કાબૂમાં લેવા તમામ
પ્રયાસ હાથ ધર્યા હતા અને મહદઅંશે આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. કંડલાથી ઓમાન
બાજુ જઈ રહેલાં આ જહાજ પરની આગને કાબૂમાં લઈ રેસ્ક્યૂ હાથ ધરાયું હતું. ભારતીય
નૌકાદળે દરિયાઈ મોટી દુર્ઘટનાને ટાળવામાં સફળતા મેળવી હતી.