• મંગળવાર, 01 જુલાઈ, 2025

મુંદરામાં મેઘમહેર; ખેડૂતો ખુશખુશાલ

મુંદરા, તા. 30 : મુંદરા શહેર અને તાલુકાભરમાં રવિવારે ગોરંભાયેલાં  વાતાવરણ અને ઝરમરિયાની આવન-જાવન બાદ સોમવારે પરોઢથી ભારે ઝાપટાં  શરૂ થયાં હતાં અને બપોર પછી તો અવિરત મેઘમહેર થઈ હતી. સાંજ સુધીના મળેલા આંકડા મુજબ શહેર અને તાલુકામાં લગભગ દોઢથી અઢી ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. મોટાભાગની નદીઓમાં નવાં નીરનું આગમન  થયું છે અને લોકોકિસાનો મેઘરાજાની આ કૃપાથી ખુશખુશાલ બન્યા છે. મુંદરા શહેરમાં છેલ્લા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 55 મિમી-બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ 184 મિમી એટલે કે સાડા સાત ઇંચથી વધુ નોંધાઈ ચૂક્યો છે. શહેરમાં આજે બે ઇંચ વરસાદમાં જ ફરિયાદો ઊઠી હતી. ખાસ કરીને મુંદરા બસ સ્ટેશન નજીક તેમજ બારોઈ વિસ્તારમાં નાકા પાસે રાબેતા મુજબ પાણી ભરાયાં હતાં. એસટી બસના મુસાફરોએ જણાવ્યું હતું કે, થોડા સમય   પહેલાં જ અહીં રિપેરિંગ કામ થયું છે અને આ ચોમાસે પાણી નહીં ભરાય એવી આશા હતી, પરંતુ બસ સ્ટેશનના વિસ્તાર પાસે  આવવામાં જ  તકલીફ પડી રહી છે. અગાઉ જ ઓગની ચૂકેલા  તાલુકાના કારાઘોઘા ડેમમાં આજે 25 સેન્ટિમીટર ઉપરથી પાણી છલકાઈ જતાં બરાયાની પાપડીમાંથી ધોધમાર પાણી વહી નીકળ્યું હતું અને ત્યાંથી વાહન વ્યવહાર બંધ થયો હતો.

સમાઘોઘાથી સરપંચ હરેન્દ્રાસિંહ જાડેજાએ જણાવ્યું કે, બપોર બાદ અવિરત ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. સમાઘોઘાની સુરઇ નદીના બે ચેકડેમ ઓગની ગયા હતા. નદી પટમાં પાણી વહી નીકળ્યાં હતાં.

ધ્રબના આગેવાન હુસેનભાઇ તલાટીએ એક ઇંચ વરસાદના વાવડ આપ્યા હતા. રામણિયાથી સુરેન્દ્રાસિંહ જાડેજાએ કહ્યું કે, બપોર શરૂ થયા બાદ  લગભગ બે ઇંચ પાણી પડયું હતું, સાંજે પાંચ વાગ્યે બંધ થયો. વાંકીથી  શામજીભાઈ ડુડિયાના જણાવ્યા અનુસાર દોઢ કલાકમાં એક ઈંચ વરસાદ થયો હતો તથા ખેતરોમાં પાણી ભરાયાં છે.

ગુંદાલામાં રવિવારે રાત્રિથી સોમવાર સાંજ સુધીમાં બે ઇંચ વરસાદ પડયો હોવાનું અજય ઠક્કરે જણાવ્યું હતું. ભોપાવાઢમાં અઢી ઈંચ વરસાદ થયો હોવાનું હધુભાઈએ જણાવ્યું હતું.

ટુંડાના સરપંચ કીર્તિ રાજગોરે ત્રણ ઈંચ વરસાદ હોવાનું જણાવતાં ઉમેર્યું કે, છેલા બધા ફુલ વહી રહ્યા છે.

પટેલ પટ્ટીમાં ત્રણથી પાંચ ઈંચ

આષાઢી હેલીની જેમ બપોરે સવા બેથી ચારની વચ્ચે પટેલ પટ્ટીના ગામોમાં ત્રણથી પાંચ ઈંચની મહેર થતાં લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. મુંદરા બાજુના ગામોમાં જોર વધુ હતું, જ્યારે ભુજ તરફ જતાં ઘટતું દેખાયું હતું. કેરા, નારાણપર, ગોડપર, મેઘપર, સૂરજપર ગામોમાં ક્યાંક બે-અઢી, તો ક્યાંક ત્રણથી ચાર, જ્યારે સામત્રાના અગ્રણી જાદવજી વરસાણીએ પાંચથી છ ઈંચના વાવડ આપતાં ઉમરાસર છલકાયાની વાત કરી હતી. કચ્છમિત્રની ટીમને કેરાથી બાબિયા, બેરાજા જતાં મુંદરા માર્ગ પરના છેલા જોશભેર વહેતા દેખાયા હતા, તો ટપ્પર બાજુના રસ્તે ચેકડેમ અડધો ફૂટ ઉપરથી વહેતા દેખાયા હતા. વડઝર, ઝુમખાથી ભારાપર જતાં જોર ઓછું હતું, તો જદુરાથી ટપકેશ્વરી તરફ પણ વરસાદ વરસ્યો હતો. મેઘગર્જનાના કડાકા સાથે દક્ષિણ તરફથી ચડેલા વાદળોએ અડધો કલાક આકાશ જમીન એક કરી દીધા હતા અને કૃષકો-મજૂરો વાડી-ખેતરેથી ઘરે સમયસર પહોંચશે કે કેમ ચિંતા સર્જી છે. તેવી ઝડપથી પાણી પડતું હતું. એક કલાકના રાઉન્ડ પછી ઝાપટાંનો દોર શરૂ થયો હતો. સમયસર પહેલાં વરસાદથી આ પંથકમાં વાવણીકાર્ય થઈ શકશે તેવું રામમોલ વાવતા ખેડૂતોએ જણાવ્યું હતું. અલબત્ત ગજોડ, ટપ્પર પટ્ટીથી વાયા કેરા, બળદિયા, ભારાપર થઈ સેડાતા સુધી વરસાદી મહેર વધુ દેખાઈ હતી, જ્યારે ભુજ બાજુ જતાં જોર ઘટતું દેખાયું હતું.

ગાંધીધામમાં પોણો ઈંચ વરસાદ

ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને સંકુલમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઝાપટાં સ્વરૂપે લગભગ પોણો ઈંચ વરસાદ પડયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સામાન્ય વરસાદથી જળભરાવ સ્થિતિ ઊભી થતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. સંકુલમાં અગાઉ પડેલા વરસાદથી હજુ પણ જોડિયા શહેરોના આંતરિક વિસ્તારોમાં માર્ગો ઉપર પાણી ભરાયેલાં છે. તેના નિકાલ માટેનું તંત્ર પાસે કોઈ વ્યવસ્થિત આયોજન નથી, જેના કારણે હવે રોગચાળાની ભીતિ ઊભી થઇ છે. અનેક વિસ્તારોમાં ગટરની ચેમ્બરો તોડીને પાણી નિકાલની વ્યવસ્થા કરવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ તેમાં જાજી સફળતા તંત્રને મળી નથી, તેનું પરિણામ લોકોને ભોગવવું પડી રહ્યું છે. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. રાત્રિ અને દિવસના વરસાદી ઝાપટાં પડયાં હતાં. 24 કલાકમાં 16 એમએમ વરસાદ નોંધાયો છે.

રાપરમાં ઝરમર વરસાદ

સવારથી રાપરને ઝરમર વરસાદે ભીંજવ્યું હતું. સવારથી વાદળછાયાં વાતાવરણમાં ઝરમર વચ્ચે ઝાપટું આવી જતું હતું. આખા દિવસ દરમિયાન 17 મિમી જેટલો વરસાદ કંટ્રોલ રૂમમાં નોંધાયો હોવાનું પ્રવીણભાઈએ જણાવ્યું હતું. તાલુકાનાં અન્ય ગામડાઓમાં પણ ધીમીધારે છૂટોછવાયો વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું હતું.

આસંબિયા પંથકમાં સવા બે-અઢી ઈંચ

બપોરે ઝાટકેલી જોરદાર ઝડીએ નાના-મોટા આસંબિયા, જખણિયા, તલવાણા પંથકમાં બે-સવા બે કે અઢી ઈંચ પાલર પાણીનો જળાભિષેક કર્યો હોવાનું ભૂષણ વ્યાસ અને જય પીઠવાએ કહ્યું હતું. તલવાણાથી બિદડા જતો રસ્તો બરાબર ઝાપટાંને લીધે વાહનચાલકો માટે પડકારરૂપ બની ગયો હતો. દરમિયાન બાડાથી રસેશ રાવલે આપેલી જાણકારી પ્રમાણે સાડા, જનકપુર, ભીસરા વિસ્તારમાં એક સવા ઈંચ મેઘકૃપાનો અંદાજ આપ્યો હતો.

Panchang

dd