નવી દિલ્હી, તા. 30 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત સાથે વ્યાપાર સંધિ અંગે નિવેદન
આપ્યું હતું અને કહ્યું હતું કે,
ભારત સાથે ટૂંક સમયમાં વ્યાપારિક સમજૂતી થશે. આ મામલે કેન્દ્રીય
નાણામંત્રી નિર્મલા સીતારામનની પ્રતિક્રિયા આવી છે. તેમણે અમેરિકા સાથેની વ્યાપાર સંધિ મામલે કેન્દ્ર સરકારનાં
વલણને પણ સ્પષ્ટ કર્યું હતું. સીતારામને જણાવ્યું હતું કે, ભારત-અમેરિકા
સાથે વ્યાપાર સંધિ જરૂર કરવા ઇચ્છે છે, પરંતુ તેને લઈને
કેટલીક શરતો પણ હશે. નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં
કૃષિ અને ડેરી ક્ષેત્ર માટે અત્યારે નિશ્ચિત સીમા છે અને તેના પર વિચાર કરવો જરૂરી
છે. સીતારામનને ટ્રમ્પનાં નિવેદન અંગે સવાલ પૂછાયો હતો, જેના
જવાબમાં તેમણે કહ્યું હતું કે, હા, શા
માટે નહીં ? અમે સારી સમજૂતી કરવાના પક્ષમાં છીએ. ઉલ્લેખનીય
છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે,
ભારત-અમેરિકા વચ્ચે વેપાર સંધિ મામલે સ્થિતિ આઠમી જુલાઈ સુધીમાં
સ્પષ્ટ થઈ જશે. નાણાંમંત્રી સીતારામને અમેરિકા સાથેની સંધિ શા માટે જરૂરી છે એ પણ
રેખાંકિત કર્યું હતું. તેમણે એક આર્થિક અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું કે,
આપણે અત્યારે જે સ્થિતિમાં છીએ અને જે હિસાબે અમારા લક્ષ્ય છે તેને
ધ્યાને લેતાં જેટલા જલ્દી આપણે મજબૂત અર્થવ્યવસ્થાઓ સાથે સમજૂતી કરીશું, એટલું જ આપણા માટે ફાયદાકારક રહેશે.