• મંગળવાર, 01 જુલાઈ, 2025

ડીજીપી વિકાસ સહાયનો કાર્યકાળ લંબાવાયો

અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત પોલીસ વિભાગમાં આગામી સમયમાં મોટા ફેરફારોની અટકળો ચાલી રહી હતી, ત્યારે છેલ્લી ઘડીએ રાજ્ય સરકારે રાજ્યના સૌથી વરિષ્ઠ આઈપીએસ અધિકારી અને વર્તમાન પોલીસવડા (ડીજીપી) વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. વિકાસ સહાય 31 ડિસેમ્બર-2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે. વિકાસ સહાય આજે વયનિવૃત્ત થવાના હોઈ ગુજરાત પોલીસ ભવનમાં તેની વિદાયની જરૂરી તૈયારીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી અંતિમ કલાકોમાં તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવાતાં નવા ડીજીપી કોણ એની ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ગુજરાત કેડરના 1989 બેચના અધિકારી ડીજીપી વિકાસ સહાયએ રક્ષા શક્તિ યુનિવર્સિટી કરાઈ પોલીસ એકેડેમી સહિતની જગ્યાઓ પર ફરજ બજાવી છે. તેઓ રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા નિવૃત્ત થયા બાદ રાજ્યના ડીજીપી બન્યા હતા. તેઓ સિનિયોરિટીમાં આવતા હતા અને તેઓ નોકરીના સમયમાં નિર્વિવાદ રહ્યા છે. જો કે, તેમના છેલ્લા કાર્યકાળ દરમિયાન એસએમસીની સીઆઇડી ક્રાઇમમાં તપાસ ચર્ચાનો વિષય બની હતી. અહીં નોંધવું ઘટે કે, રાજ્ય સરકારની ગુડબુકમાં નામ ધરાવતા અને કડક અધિકારીની ઇમેજ ધરાવતા આઇપીએસ શિવાનંદ ઝા લાંબો સમય ડીજીપી રહ્યા હતા. કોરોનાકાળ દરમિયાન તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. કોરોનાકાળ દરમિયાન તેમણે પોલીસને ખડેપગે રાખીને કામગીરી કરાવી હતી. તેમના બાદ આઇપીએસ આશિષ ભાટિયાને ડીજીપી બનાવવામાં આવ્યા હતા, તેમને પણ બે વર્ષ કરતાં ઓછો સમય મળ્યો હતો. પછી નવી માર્ગદર્શિકા પ્રમાણે તેમને પણ બે વર્ષ કાર્યકાળ પૂરો કર્યા બાદ મુદત વધારવામાં આવી હતી. આમ ડીજીપી સહાય એક્સટેન્શન મેળવનારા ત્રીજા પોલીસવડા બન્યા છે.

Panchang

dd