નવી દિલ્હી, તા. 30 : હિમાચલપ્રદેશમાં
રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભૂસ્ખલનને કારણે રાજ્યભરના 390 રસ્તાઓ
પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. ચોમાસાથી રાજ્યમાં 44 લોકોનાં
મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ
જીવ ગુમાવ્યા છે. એટલું જ નહીં. હવામાન વિભાગે ભૂસ્ખલન માટે શિમલા, મંડી, કાંગડાના સંવેદનશીલ 22 વિસ્તાર પૈકી 18 માટે
ચેતવણી જારી કરી છે. સોમવારે સવારે હિમાચલના મંડી-કુલ્લુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર
થલૌટના ભુભુ જોટ ટનલ પાસે ભૂસ્ખલન થયું હતું,
જેના કારણે રોડ ટ્રાફિક પર અસર પડી છે. ઘણા વાહનો પણ ટનલની અંદર
ફસાયેલા છે. ભૂસ્ખલનને કારણે રાજ્યભરના 390 રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ થઈ
ગઈ છે. ચોમાસાથી રાજ્યમાં 44 લોકોનાં મોત થયાં છે. ચેતવણીને
કારણે સોમવારે હિમાચલના ચાર જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. કાલકા-શિમલા
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સોલનના સલોગરા નજીક ભૂસ્ખલન થયું હતું. ઉત્તરાખંડ અને
ઝારખંડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં
ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને 17 રાજ્યોમાં યલો એલર્ટ છે.
બિહારમાં વીજપ્રકોપથી પાંચ મોત
બિહારના ભોજપુર, બક્સર અને નાલંદામાં
વીજળી પડવાથી 5 લોકોનાં મોત થયાં હતાં, તો ગયાના ઇમામગંજમાં
લગુરાહી ધોધમાં અચાનક પાણી વધી જતાં છ યુવતી જોરદાર પ્રવાહમાં તણાઈ હતી. સ્થાનિક
લોકોએ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.
ઉત્તરાખંડમાં વાદળ ફાટયું
પ્રયાગ, દેહરાદૂન, ટિહરી, પૌડી, હરિદ્વાર અને
નૈનીતાલ સહિત ઉત્તરાખંડના ઘણા જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું
હતું. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે વાદળ ફાટવાથી બે શ્રમિકના મૃત્યુ થયાં
હતાં અને સાત લાપતા બન્યા હતા. આ દરમિયાન ઉત્તરાખંડ સરકારે તીર્થયાત્રીઓની
સુરક્ષાને ધ્યાને રાખીને ચારધામ યાત્રા એક દિવસ માટે રોકવાનો નિર્ણય કર્યો હતો.
ગઢવાલ વિભાગીય કમિશનર વિનય શંકર પાંડેએ સોમવારે જણાવ્યું હતું કે યાત્રા રૂટ પર
આવતા જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનો
રોકવાની સૂચના આપવામાં આવી છે. વરસાદના કારણે યમુનોત્રી હાઈવે ઉપર સિલાઈ બેંડ,
રૂદ્રપ્રયાગમાં જખોલી, અગત્સયમુની, ચમોલીમાં કમેડા અને ઉમટા, પૌડીમાં ગુમખલ કુલ્હાડ
બેંડ, ટિહરીમાં સૈંણ સુનહરીગાડ પાસે અને નરેન્દ્રનગર સહિત
અંદાજિત ડઝનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી.
ગુજરાતમાં 13 જિલ્લામાં
યેલો એલર્ટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં
189 તાલુકામાં
મેઘમહેર થઈ હતી, તો સોમવારે 13 જિલ્લામાં
યલો એલર્ટ જારી કરાયું હતું. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન
સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ
દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ચિનાબનું જળસ્તર વધ્યું
જમ્મુ-કાશ્મીરના રિયાશી, રામવનમાં વરસાદ શરૂ થયા
બાદ બગલિહાર ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા હતા, તો ચિનાબ
નદીનું જળસ્તર વધ્યું હતું. સલાલ ડેમના પણ 12 ગેટ ખોલાયા હતા. ઉત્તરકાશીમાં
નેશનલ હાઈવે પર ભેખડો ધસી પડતાં માર્ગ અવરોધાયો હતો. બાલાસોરમાં અત્યાર સુધીમાં 35 ગ્રામ
પંચાયત પૂરથી અસરગ્રસ્ત થઈ હતી અને મયૂરભંજમાં પૂરના પાણી ઘુસ્યા હતા, જેના લીધે ફસાયેલા
લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ઝારખંડમાં પુલ ધોવાયો
ઝારખંડના લાતેહાર જિલ્લામાં
સોમવારે ભારે વરસાદને કારણે એક પુલ ધોવાઈ ગયો હતો અને લોકોને અવરજવરમાં મુશ્કેલી
વેઠવી પડી હતી. ભારે વરસાદના પગલે રાજ્યમાં રેડ એલર્ટ જારી કરાયું હતું, દક્ષિણ ઓરિસ્સામાં મુખ્ય
નદીઓમાં પાણી ભરાઈ જવાના કારણે રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું
સ્થળાંતર શરૂ કર્યું હતું.
પંજાબમાં માર્ગ ધસ્યો
બીજી તરફ સોમવારની સવારથી પંજાબ
અને હરિયાણામાં વરસાદ શરૂ થયો હતો. ચંદીગઢમાં વરસાદ બાદ સેક્ટર 47-48 પાસે
રસ્તાનો એક ભાગ ધસી પડયો હતો. રાજસ્થાનના સિરોહીમાં નિર્માણાધીન પુલ પાસે પાણીના જોરદાર
પ્રવાહમાં કાર ફસાઈ હતી. જો કે, કારમાં સવાર ચાર લોકોને સુરક્ષિત
રીતે બચાવી લેવાયા હતા.
મહારાષ્ટ્રમાં ભારે મેઘ
મહારાષ્ટ્રના ભંડારા, વાશિમમાં સોમવારની
સવારથી ભારે વરસાદ ચાલુ થયો હતો. ઉત્તરાખંડના નૈનીતાલમાં વરસાદ પડતાંની સાથે
પર્યટકો ફરવા નીકળ્યા હતા.