• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

સરકાર પ્રશ્નો ન ઉકેલી શકે, તો બન્નીને તેના હાલ પર છોડી દો...

કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 10 : રણકાંધીને અડીને વિસ્તરેલો બન્ની પંથક કચ્છની અસ્મિતા, સંસ્કૃતિના કેન્દ્રમાં છે. કચ્છની આબોહવા-પર્યાવરણનો સૌથી વિશેષ પ્રભાવ અહીં જોવા મળે છે. પ્રકૃતિના ખોળે વસતા બન્નીવાસીઓ આઝાદીના અમૃતકાળમાં પણ પારાવાર પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. ધોરડો-ટેન્ટ સિટીને પગલે પ્રવાસન વિકસ્યું છે, પરંતુ આજે પણ બન્નીના 50 ગામને મહેસૂલી દરજ્જો મળ્યો હોવાથી ગંભીર સમસ્યા છે. આરોગ્ય, રોજગારી, શિક્ષણના પ્રશ્નો છે. વનતંત્રના જટિલ નિયમો અવરોધ અને પરેશાનીનું કારણ બની રહ્યા છે. માહોલમાં બન્નીની હાલચાલ જાણવા, બન્નીવાસીઓના મનની વાત સાંભળવા કચ્છમિત્રએ અગ્રણીઓને કચ્છમિત્ર ભવનમાં આમંત્રિત કર્યા અને તેમની રજૂઆત સાંભળી હતી. ધોરડોના વિખ્યાત સરપંચ મિયાંહુસેન ગુલબેગ અને ભીરંડિયારામાં કચ્છમિત્રના જાગૃત યુવા પત્રકાર અલી જુમા રાયશીપોત્રાએ કાર્યક્રમમાં સંયોજકની ભૂમિકા સુપેરે પાર પાડી હતી. કાર્યક્રમમાં જંગલ ખાતાં દ્વારા વારંવાર બન્ની વિસ્તારમાં વાડાને દબાણ લેખી તેને દૂર કરવામાં આવતાં પશુપાલકો માટે સર્જાતી મુશ્કેલી અને બન્નીને વહેલામાં વહેલી તક્કે મહેસૂલી દરજ્જો મળે તેમજ અહીંના લોકોને જમીન ફાળવણી થાય તેવી માંગ એક સૂરે રજૂ થઈ હતી. સરકાર જો પ્રશ્નો ઉકેલી શકે, તો અમને અમારા હાલ પર છોડી દેવા પણ જણાવ્યું હતું. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા, ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલાની ખાસ ઉપસ્થિતિમાં સરપંચો, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત હોદ્દેદારો, સભ્ય, ગામના અગ્રણીઓ સાથે બેઠક યોજી તેમના અવાજને સરકારમાં ઉચ્ચકક્ષા સુધી રજૂ કરી ઉકેલવાના પ્રયાસની ખાતરી અપાઈ હતી. હાર્દિકભાઈ મામણિયાએ બન્ની સાથે તેમનો 18 વર્ષનો નાતો હોવાનું કહી રણમાં તેમનું વાહન ફસાયું ત્યારે મદદ માટે ગ્રામજનો આવ્યા ત્યારથી કાયમી નાતો બંધાયો હોવાનું કહ્યું હતું. મોટીવેશનલ સ્પીકર એવા શ્રી મામણિયાએ ખાસ તો બન્નીની યુવાપેઢી શિક્ષિત થાય તેના પર ભાર મૂકી અહીં વિવિધ કોર્સ શરૂ કરવા પ્રયત્ન સાથે કચ્છમિત્ર દ્વારા યુનિવર્સિટી સાથે સંકલન કરાશે એવી ખાતરી આપી હતી. ઉપરાંત બન્નીની સંસ્કૃતિના વખાણ કરતાં હાર્દિકભાઈએ મુંબઈમાં જન્મભૂમિ ગ્રુપ દ્વારા ગુજરાતીના ફેલાવા માટે પ્રયોગ કર્યાના ઉલ્લેખ સાથે કચ્છમાં કચ્છમિત્ર દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન રમતોત્સવનું આયોજન કરાશે, જેમાં ઘોડેસવારી, બખમલાખડા સહિતને આવરી લેવાશે. રમતો કચ્છ પૂરતી સીમિત રહે તે માટે મહાનગર સુધી લઈ જવા પણ પ્રયત્નો કરાશે. કચ્છમિત્ર બન્નીના વિકાસમાં મદદરૂપ થાય એવી દરેક બાબતોમાં માધ્યમ બનશે, તેમ ઉમેરી બાળકોને કચ્છની અસ્મિતાથી વાકેફ થાય તે માટે કચ્છમિત્ર સાથે તેમને જોડવાનું કહી તેમના વિચારોને કચ્છમિત્ર પ્રાધાન્ય આપશે તેવી ખાતરી આપી હતી. ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કચ્છ પ્રત્યેનો લગાવ જણાવી દેશ માટે કચ્છની મહત્ત્વની ભૂમિકા પર પ્રકાશ પાડયો હતો. કચ્છમિત્ર બન્ની સાથે વર્ષોથી સંકળાયેલું હોવાનું કહી લોકપ્રશ્નોને વાચા આપી તેના નિરાકરણના તમામ પ્રયત્નોની ખાતરી આપી હતી. કુદરતના ખોળે ધબકતી બન્ની કચ્છની આત્મા-અસ્મિતા હોવાનું કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે જણાવી ઉમેર્યું કે, બન્ની અને બન્નીવાસીઓના પ્રશ્નોને કચ્છમિત્ર હંમેશાં વાચા આપતું રહ્યું છે. બન્નીની ખમીરીને બિરદાવતાં કહ્યું કે, અહીંના લોકો વિરોધમાં નથી માનતા. પ્રવાસન ક્ષેત્રે થયેલો વિકાસ વર્ણવી ગુલબેગ દાદા, અબ્દુલ કરીમ હાલેપોત્રા, જુમાભાઈ રાયશીપોત્રા, અબ્દુલ કરીમ હાલેપોત્રા (ઉગાડપગા પત્રકાર), મીરખાન મુતવા સહિતે બન્ની માટે કરેલા કામોને યાદ કરી કાર્યક્રમના હેતુ પર પ્રકાશ પાડયો હતો. ધોરડો સરપંચ મિયાં હુસેનભાઈએ કચ્છમિત્રે બન્નીની કાયમી ચિંતા કરી છે, તેમ જણાવી ઉમેર્યું કે, વિકાસ ખૂબ થયો છે. રસ્તા, પાણી સહિતની સુવિધા સાથે રોજગારીની તકો ઊભી થઈ છે, પણ વર્ષ 1955માં ઊભી થયેલી કાયદાકીય ગૂંચ આજે પણ યથાવત હોવાનું કહ્યું હતું. મોટામાં મોટો મુદ્દો સેટલમેન્ટનો છે. અહીં કોઈ પાસે માલિકીની જમીન નથી અને કોઈ જામીન પણ નથી પડી શકતા. હોમ સ્ટે માટે લાયસન્સ મળે, જમીન હોવાથી મંજૂરી મળે. બન્નીવાસીઓને નુકસાન થાય તેવી રીતે તેમના પ્રશ્નો ઉકેલાય તેવી આશા વ્યક્ત કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો,  ઘોડારેસ, બખમલાખડા, પશુમેળાના માહિરોને પ્રાથમિકતા આપવા પણ માંગ કરી હતી. ભીરંડિયારાના કચ્છમિત્રના પ્રતિનિધિ-સજાગ પત્રકાર અલી રાયશીપોત્રાએ જણાવ્યું કે, વાવાઝોડાં હોય, અતિવૃષ્ટિ હોય, આરોગ્ય, શિક્ષણ, ઘાસ-પાણી સહિતના પ્રશ્ને કચ્છમિત્રે બન્ની વિસ્તારને પોતાનો ગણી લોકસમસ્યાને વાચા આપી હોવાનું કહ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ પૈકી દદ્ધરના ઉપસરપંચ હાજી હાસમ નોડેએ ફોરેસ્ટના પરિપત્રમાં વર્ષ 2012થી 2022 સુધી 36 કરોડ વાપર્યાનું જણાવાયું, પણ તે ક્યાં વપરાયા તેવો સવાલ કર્યો હતો. ઉપરાંત વન અધિકારીએ સોગંદનામામાં જણાવ્યું કે, અહીં કોઈ નથી રહેતું, આઠ-10 ફૂટના ખાડામાં પડી ઢોર મૃત્યુ પામે છે, તો ખોટા આક્ષેપ કરાય છે,  પંચાયતને જાણ કર્યા વિના કામગીરી કરાય છે અને વિરોધ કરીએ તો પોલીસ બોલાવાય છે તેવા પ્રશ્નો રજૂ કર્યા હતા. ભીરંડિયારા સરપંચ ખાનમામદભાઈએ જણાવ્યું કે, વિકાસના વાવાઝોડાંમાં બન્નીની સંસ્કૃતિ ભૂંસાતી જાય છે. ગામડિયો જમીન ઉપર જીવિત છે જો જમીન નહીં હોય તો તે બેકાર છે. ગામની આસપાસની જમીનો પર ગ્રામજનોનો પ્રથમ હક્ક કહેવાય તેમ કહી સરકાર સાત કિ.મી. જમીન અનામત આપે તેવી માંગ કરી હતી. કાંઈ થઈ શકે તો અમને અમારા હાલ પર મૂકી દ્યો તેમ કહ્યું હતું. સિંધી સાહિત્યકાર કલાધર મુતવાએ જણાવ્યું કે, વિકાસ સંતુલીત હોવું જરૂરી છે. જાણવા-માણવા જેવી બન્ની દિવસાદિવસ સાંકડી થતી જાય છે. અહીં ઉચ્ચ શિક્ષણની તાતી જરૂરિયાત હોવાનું ઉમેર્યું હતું. ગોરેવાલીના અમીર ફેઝલ મુતવાએ શિક્ષણ સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે વાલીઓ જાગૃત બને અને તેનો લાભ લે તેમ જણાવી અલગ-અલગ ગામોમાં આવેલી શાળાઓ જણાવી ખાવડામાં બારમાનું કેન્દ્ર મંજૂર કરાવ્યાનું ઉમેર્યું હતું. તો, મુતવા ઈશા હુસેન (ગોરેવાલી) મીઠાની ઓવરલોડ ગાડીઓને પગલે સર્જાતી સમસ્યા વર્ણવતાં કહ્યું કે, માર્ગો પર ઢોળાતું મીઠું મીઠી જમીનને મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે, મોટી ગાડીઓથી અનેક પશુઓનાં મૃત્યુ પણ થતાં રહે છે, ત્યારે આવા વાહનો રણ રસ્તેથી સીધા જખૌ બંદરે જાય તે જરૂરી છે. હોડકોથી ઉપસ્થિત સલામ હાલેપોત્રાએ જણાવ્યું કે, સરકારની કામગીરી સારી છે. વધારે વિકાસ હોય તો તેમાં થોડી ત્રૂટીઓ રહે તે સ્વાભાવિક છે. ચરિયાણ, ડેરી, બજારના વિકાસ સાથે જમીનનો પ્રશ્ન ઉકેલવો જરૂરી હોવાનું કહી કાયદેસરની જમીન નથી મળતી અને લોકો રોજીરોટી શરૂ કરે તો દબાણોના આક્ષેપ થતા હોવાનું ઉમેર્યું હતું. રાજકોટના બનાવને ટાંકી કહ્યું કે, માલિકીની જમીન હોવાથી ફાયર એન..સી. નથી મળતી. નાની દદ્ધરના હિંગોરજા હનીફે ભીરંડિયારાની હોસ્પિટલમાં સ્ટાફ ઘટ અંગે કહી દર્દીને ખાવડા સુધી લઈ જવામાં પડતી મુશ્કેલી વર્ણવી હતી. ઉડઈ સરપંચ સુમરા સલીમે જણાવ્યું કે, 1400 લોકોની વસ્તી છતાં માર્ગ નથી બન્યો, શાળા નથી, જમરીવાંઢમાં તો લાઈટ પણ નથી પહોંચી. ડુમાડાના સુમાર પઠાણે કહ્યું કે, પાંચ લાખ લિટરનું ટાંકું બનાવ્યું પણ પીવાનાં પાણી નથી. કાર્યક્રમ પ્રારંભે ઉપસ્થિતોને આવકાર સાથે આભારવિધિ કચ્છમિત્રના મેનેજર મુકેશભાઈ ધોળકિયાએ કરી હતી. કાર્યક્રમમાં કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલભાઈ પંડયા, એડ. મેનેજર હુસેનભાઈ વેજલાણી, સિનિયર પત્રકારો પ્રફુલ્લભાઈ ગજરા, ગિરીશભાઈ જોષી, પ્રશાંત જોશી વિ. ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang