• શનિવાર, 27 જુલાઈ, 2024

લુપ્ત થતા શબ્દો વિશે શબ્દકોશ તૈયાર થાય

ભુજ, તા. 23 : આર. આર. લાલન કોલેજમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને લાલન કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.  ઉજવણી અંતર્ગત કચ્છના ત્રિભાષી સર્જકોનું કવિ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમના આરંભે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સંસ્કૃત વિભાગના ડો. અત્રિ રાજગોરે, ગુજરાતી વિભાગના હિંમતાસિંહ સોઢાએ શરૂઆત કરાવી હતી. આરંભે અકાદમી દ્વારા પુસ્તકો તેમજ લાલન કોલેજ તરફથી પ્રતીક ભેટ આપી કોલેજના અધ્યાપકોને હસ્તે મહેમાનોનું સ્વાગત-સન્માન કરાયું હતું. અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા તેમજ  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માતૃભાષા દિન અંગે વીડિયો સંદેશ બતાવવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડો. સી. એસ. ઝાલાએ સ્વાગત કર્યું હતું. સાથોસાથ તેમણે કચ્છ પ્રદેશમાં વિવિધ બોલીઓ જ્યારે બોલાય છે, ત્યારે બોલીના લુપ્ત થઈ રહેલા શબ્દો વિશે એક સંશોધનકાર્ય થાય, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સંશોધનને ધ્યાનમાં લઇ અને લુપ્ત થઈ રહેલા શબ્દો વિશે ચોક્કસ  શબ્દકોશ તૈયાર કરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને સૌને કાર્યમાં જોડાવા અનોખું અને મહત્ત્વનું સૂચન આપ્યું હતું.  ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડો. ચૈતાલી ઠક્કરે કાર્યક્રમનાં આયોજન પાછળની ભૂમિકા સ્પષ્ટ કરી હતી તેમજ વિશ્વ માતૃભાષા દિવસે  માતૃભાષાના મહત્ત્વ વિશે વાત કરી હતી. કવિ સંમેલનમાં રચનાઓ રજૂ કરતા કવિ કુમાર જિનેશ શાહે કાવ્યસર્જન પ્રક્રિયા વિશે વાત કરી હતી અને વિદ્યાર્થીઓને એક કાવ્યમય વાતાવરણ સાથે જોડી આપ્યા હતા. આદિપુર તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સના સિંધી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. વિમ્મી સદારંગાણીએ સિંધી ભાષાની રચનાઓ રજૂ કરી અને તેનો હિન્દીમાં અનુવાદ પ્રસ્તુત કર્યો હતો. સર્જક જયંતી જોશીએ  કચ્છી રચનાઓ રજૂ કરી હતી. સાથે તેમણે બાકીના બંને સર્જકની એક એક પંક્તિને યાદ કરી અને ત્રિભાષી કવિ સંમેલનનું આગવું મહત્ત્વ આંક્યું હતું. કચ્છી ભાષાની કવિતાઓની વાત કરતાં કરતાં કારાણીજીને અને અન્ય સર્જકોને પણ તબક્કે યાદ કર્યા હતા.  કોલેજની વિદ્યાર્થિની કામાક્ષી ગોસ્વામીએ આવા કાર્યક્રમો સતત થતા રહે અને આજના કાર્યક્રમમાં તેમને વિદ્યાર્થીઓને કવિતાની નજીક જવાનો મોકો મળ્યો એવો આનંદ વ્યક્ત કર્યો હતો. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સભ્ય ભૂપેન્દ્રભાઈ મહેતા હાજર રહ્યા હતા. અંતમાં `મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં' સંદર્ભ હેઠળ સૌ કવિગણ અને આચાર્ય, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા હતા. સંચાલન અને આભારવિધિ ગુજરાતી વિભાગના ડો. રાજેન્દ્ર બાંભણિયાએ કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang