• શનિવાર, 27 જુલાઈ, 2024

`ન્યાયાધીશો માટે પસંદ-નાપસંદની નીતિ ખોટી'

નવી દિલ્હી, તા. 20 : સુપ્રીમ કોર્ટે સોમવારે કોલેજિયમ તરફથી ભલામણ છતાં ન્યાયમૂર્તિઓની નિમણૂકમાં થઇ રહેલા વિલંબ બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. ન્યાયાધીશોની નિમણૂકમાં પસંદ-નાપસંદની નીતિ ઠીક નથી, તેવો ઠપકો ટોચની અદાલતે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ સારા સંકેત નથી. આવા વલણથી દેશને ખોટો સંદેશ મળે છે. અમે સરકારને અગાઉ પણ ચેતવણી આપી છે તેવું ન્યાયમૂર્તિ સંજયકિશન કૌલ અને હિમાંશુ ધુલિયાની ખંડપીઠે જણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતી ખંડપીઠે જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટમાં ચાર ન્યાયમૂર્તિની બદલી અટકેલી છે, જેના પર સરકારે હજુ સુધી કંઇ જ કર્યું નથી. બીજીવાર મોકલાયેલાં નામો પર નિયુક્તિ નહીં કરવી પરેશાન કરનારું વર્તન છે. કોલેજિયમની ભલામણો પર અમલ કરવા માટે વધુ સમય આપતાં ખંડપીઠે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર સમાધાન લઇને આવે. પાંચમી ડિસેમ્બરના આગામી સુનાવણી થશે. સરકાર વતી એટોર્ની જનરલ આર. વેંકટરમણીએ જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીઓની વ્યવસ્થાના કારણે વિલંબ થયો છે. સરકારના કોઇ ખોટા ઇરાદા નથી. સરકારને હજુ થોડો સમય આપો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે વડી અદાલતોમાં 14 ન્યાયમૂર્તિની નિમણૂકની ભલામણ કરી હતી, પરંતુ માત્ર ગૌહાતી હાઇકોર્ટમાં નિમણૂક થઇ છે. સરકારની આવી પસંદ-નાપસંદના કારણે ન્યાયાધીશોના વરિષ્ઠતા ક્રમ પર અસર પડે છે. અગાઉ અમે જે નામો દોહરાવ્યા હતા તેમાંથી હજુ સુધી આઠ નામ અટકેલા છે. અમે જાણીએ છીએ કે, આ નામ શા માટે લટકાવાયા છે. સરકારની ચિંતાની પણ ખબર છે. સરકારે પાંચ ન્યાયમૂર્તિ માટે બદલીના આદેશ આપ્યા છે, અન્ય છ માટે નહીં તેવું ટોચની અદાલતે કહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang