• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

મિશન જીવન

ભૂકંપની ગોઝારી રાત વ્યથાનાં વાદળ વચ્ચે પસાર કરી, બીજા દિવસે ઘરવખરીની સંભાળ માટે સરપટ ગેટ (ભુજ) પાસેથી કાટમાળના ઢગલા જોતાંજોતાં ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યાં ધીમો અવાજ સંભળાયો એટલે હું અને મારા ભાઈ અવાજના અણસારની દિશામાં કાટમાળ સમક્ષ આગળ વધ્યા. કોઈ જીવિત વ્યક્તિના એ અવાજથી તેને બહાર કાઢવા ધ્વસ્ત છતમાં બાકોરું બનાવવા પ્રયત્નો શરૂ કર્યા. અંદરથી એક મહિલાનો અવાજ આવ્યો, `અમને બહાર કાઢો, હું અને મારી બે દીકરી ફસાયેલા છીએ.' થોડા પ્રયાસો બાદ ચારેક ઈંચનું બાકોરું બન્યું, અંદર ડોકિયું કરી પરિસ્થિતિ જાણી. નજીક પડેલી પાણીની બોટલ અંદર મોકલાવી, ઓલવાતા દીવામાં જાણે તેલ પૂરાય તેમ અંદર રહેલા જીવમાં જીવ આવ્યો! અમે પણ જાણે અડધો જંગ જીત્યા હોઈએ તેમ જોમ અને જોશથી આગળ વધ્યા. એ ઠંડીના ચમકારા વચ્ચે પણ પ્રસ્વેદ સ્પષ્ટ દેખાતો હતો, પણ કોઈનાં જીવનમાં પ્રાણ પૂરવાની ખેવનાથી આ બધું ગૌણ હતું. એક પછી એક ત્રણેય મા-દીકરીને બહાર કાઢ્યાં. જેમાં એક દીકરી મૃત્યુ પામી હતી અને માતાના પગ પર વજન આવ્યું હશે એટલે કાળા પડી ગયા હતા. તેમને બામ્બુનો આશરો મૂકી જ્યુબિલી ગ્રાઉન્ડમાં સંઘ સેવા કેમ્પ સુધી પહોંચાડયા અને હાથીસ્થાન શાળાનાં એ મેદાનમાં ચિરનિદ્રામાં પોઢી ગયેલી દીકરીનાં સમાચાર આપ્યાં. મિશન જીવન આત્મસંતોષ સાથે જીવનભરની પરબ બની રહેશે. પ્રભુકૃપાથી 24 કલાકે કાટમાળમાંથી જીવોને બચાવ્યાની સેવા કરવા મળી. ( સત્ય ઘટના મોકલનાર રાજેશ ચમનલાલ રાજગોર ભુજની પાટવાડી શાળા નં.1માં આચાર્ય તરીકે ફરજ નિભાવે છે.) 

Panchang

dd