• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ મધદરિયે ગૂંજ્યો `જય હિન્દ'નો નાદ

નલિયા,તા 25 : અરબી સમુદ્રનાં ઉછળતાં મોજાં અને સીમાવર્તી સરહદની નિર્જન શાંતિ વચ્ચે આજે રાષ્ટ્રભક્તિનો એક અનોખો જુવાળ જોવા મળ્યો હતો. દેશના 75મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ જ્યારે સમગ્ર દેશ ઉજવણીની તૈયારીમાં મશગૂલ હતો, ત્યારે કચ્છનાં અબડાસા તાલુકાનાં જખૌ બંદર નજીક મધદરિયે આવેલા નિર્જન 'લુણા ટાપુ' પર તિરંગો લહેરાવીને એક નવો ઈતિહાસ અંકિત કરવામાં આવ્યો હતો.  દેશના છેવાડાના અને માનવરહિત ટાપુઓ પર પણ ભારતની આન-બાન-શાન સમાન રાષ્ટ્રધ્વજ ગૌરવભેર લહેરાય તેવા ઉમદા આશય સાથે બીએસએફ  અને મરીન પોલીસના સંયુક્ત ઉપક્રમે આ સાહસિક ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ   કાર્યક્રમમાં માંડવી-મુંદરાના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે રહ્યા હતા. તેઓ જખૌ બંદરથી ખાસ બોટ મારફતે દરિયાની લહેરોને ચીરતા આ નિર્જન ટાપુ પર પહોંચ્યા હતા. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જ્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો, ત્યારે અનિરુદ્ધભાઈ દવેના હસ્તે લુણા ટાપુની ધરતી પર રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ ક્ષણ માત્ર ધ્વજવંદનની નહોતી, પરંતુ દેશની સીમાઓનું રક્ષણ કરતા જવાનોની હિંમતને દાદ આપવાનો એક પ્રયાસ હતો. ધ્વજવંદન બાદ અનિરુદ્ધભાઈ દવેએ રાષ્ટ્રની સુરક્ષા કાજે ખડેપગે રહેતા બીએસએફ અને પોલીસના જવાનોનું મોઢું મીઠું કરાવીને તેમની ફરજનિષ્ઠાને બિરદાવી હતી, જેનાથી જવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ પણ જોડાયા હતા અને ટાપુ પર તિરંગાની ગરિમાના સાક્ષી બન્યા હતા.  બીએસએફના બટાલીયન સીઓ મનીષ નેગી, જખૌ મરીનના પીઆઈ એચ.એમ. વાઘેલા, પીઆઈ વી.એમ. ઝાલા અને મરીન કમાન્ડોના પીએસઆઈ વી.એન. ખોખર પોતાની ટીમ સાથે તૈનાત રહ્યા હતા. તા.ભા પ્રમુખ જયદીપાસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરાસિંહ જાડેજા, મૂળરાજભાઈ ગઢવી અને સિંધુડીના સરપંચ ગોપાલ ગઢવી સહિતના જોડાયા હતા. - દરિયાઈ પટ્ટી દેશભક્તિના  રંગે રંગાઈ : આ કાર્યક્રમમાં  એનસીસીનાં બાળકો અને દરિયાના ખેડૂ ગણાતા સ્થાનિક માછીમારો પણ ઉત્સાહભેર જોડાયા હતા. શૂન્યવકાશ જેવા નિર્જન ટાપુ પર જ્યારે એકસાથે સેંકડો કંઠે રાષ્ટ્રગીત ગવાયું, ત્યારે સમગ્ર દરિયાઈ પટ્ટી દેશભક્તિના રંગે રંગાઈ ગઈ હતી. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું કે, ભારતનો તિરંગો માત્ર મહાનગરોમાં જ નહીં, પણ દેશના અંતિમ છેવાડાના નિર્જન ટાપુઓ પર પણ એટલી જ શાનથી લહેરાતો રહેશે. 

Panchang

dd