• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

પડાણા : રિક્ષામાંથી યુવાનની મોતની છલાંગ

ગાંધીધામ, તા. 25 : પડાણા નજીક પંચરત્ન માર્કેટ સામે રિક્ષામાં સવાર શિવકુમાર દિલીપલાલ દાસ (ઉ.વ. 25)એ રિક્ષામાંથી મોતની છલાંગ લગાવી હતી. બીજી બાજુ ગાંધીધામના સુભાષનગરમાં પ્રતીકકુમાર વિજય સોલંકી (ઉ.વ. 26)એ ગળે ફાંસો ખાઈ જીવ દીધો હતો તેમજ અબડાસાના સુથરીમાં રામ શંકર કોલી (ઉ.વ. 19)એ થાંભલામાં દોરડા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. ગાંધીધામના પી.એસ.એલ. કાર્ગો વિસ્તારમાં રહેનાર શિવકુમાર નામનો પરિણીત યુવાન થોડા દિવસ પહેલાં પોતાના વતન બિહાર ગયો હતો, ત્યાંથી તે પરત આવી ગાંધીધામની જગ્યાએ ભચાઉ ઊતરી ગયો હતો અને ત્યાંથી રિક્ષામાં બેસીને ગાંધીધામ આવી રહ્યો હતો. રિક્ષા પડાણાના પંચરત્ન માર્કેટની સામે પહોંચી હતી તે દરમ્યાન આ યુવાને રિક્ષામાંથી છલાંગ લગાવતાં તેને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આપઘાતનો અન્ય એક બનાવ ગાંધીધામના સુભાષનગર વિસ્તારમાં પ્લોટ નંબર 79માં બન્યો હતો. અહીં રહેનાર પ્રતીક સોલંકી ગઈકાલે સાંજે ઘરે હતો, દરમ્યાન અકળ કારણોસર તેણે પંખામાં દોરી બાંધી ગળે ફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો હતો. બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. અબડાસાના સુથરીમાં આત્મહત્યાનો બનાવ બન્યો હતો. ગામમાં રહેનાર રામ કોળી નામનો યુવાન પોતાના ઘરથી 100 મીટર દૂર આવેલા થાંભલા પાસે ગયો હતો અને સવારના અરસામાં થાંભલા પર ચડી દોરી બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવાને કેવા કારણોસર આવું પગલું ભર્યું હશે તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd