નવી દિલ્હી, તા. 26 : નવી દિલ્હીમાં આજે ક્વાડ
દેશોના વિદેશમંત્રીઓની બેઠક યોજાઇ હતી, જેમાં ચીનનું વર્ચસ્વ છે એવી ટેક્નોલોજી માટે
મહત્ત્વપૂર્ણ ક્રિટીકલ અને દુર્લભ ખનિજ માટે પણ સહકાર વધારવાનો નિર્ણય લેવાયો હતો અને
20 અબજની જાહેર અને ખાનગી મૂડીની
જાહેરાત કરાઇ હતી. સાથે જ ભારત-પ્રશાંત સમુદ્ર સહિતના વિસ્તારમાં દેખરેખ સઘન બનાવવાનો
પણ નિર્ણય લેવાયો હતો. આ બેઠકથી ચીનના પેટમાં દુ:ખ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયના
પ્રવક્તા માઓ નિન્ગે કહ્યું હતું કે, અલાયદી જૂથબંધીનો અમે વિરોધ કરીએ છીએ. દેશો વચ્ચે
કોઇ ત્રીજા પક્ષને નિશાન બનાવવા માટે સહકાર વધારવાનો હોય નહીં. ભારતની યજમાની હેઠળ
ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બહુપ્રતીક્ષિત બેઠક મંગળવારે અહીં યોજાઈ હતી. બેઠક બાદ
વિદેશ મંત્રી એસ. જયશંકર, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો, ઓસ્ટ્રેલિયાની વિદેશ
મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગીએ સંયુક્ત નિવેદનમાં ક્વાડના
મહત્વ અને તેના હેતુઓનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાઓને
જોતા આવતા સમયમાં આ મંચની જવાબદારી અને મહત્ત્વ વધુ વધશે. બેઠક પછી ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી
પેની વોંગે હોર્મુઝનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, `ઇરાન દ્વારા હોર્મુઝ માર્ગ બંધ કરવાથી ઊર્જા સુરક્ષા પર સ્પષ્ટ
અસર દેખાઈ રહી છે. દરિયાઈ માર્ગોની સ્વતંત્રતા જાળવી રાખવી જરૂરી છે અને ક્વાડ દેશ
કોઈપણ પ્રકારનો ટોલ લગાવવાનો પણ વિરોધ કરે છે.' વોંગે કહ્યું કે, સભ્ય દેશો માત્ર ચર્ચા
નહીં, પરંતુ નક્કર પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે અમેરિકાના વિદેશમંત્રી
માર્કો રૂબિયોના રાજદ્વારી પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. પત્રકાર પરિષદમાં વિદેશમંત્રી
એસ. જયશંકરે આતંકવાદના મુદ્દે કહ્યું કે, તેની સામે ઝીરો ટોલરન્સ હોવું જોઈએ. જે દેશો
પર આતંકવાદી હુમલા થાય છે, તેમને પોતાની સુરક્ષાનો અધિકાર છે. સાથે જ તેમણે ઇન્ડો-પેસિફિક
ક્ષેત્રમાં વધતા જતા પડકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ બેઠકમાં ભારત, અમેરિકા, જાપાન
અને ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રીઓ સામેલ થયા હતા. અમેરિકા તરફથી માર્કો રૂબિયો, જાપાનથી
તોશિમિત્સુ મોતેગી અને ઓસ્ટ્રેલિયા તરફથી પેની વોંગ હાજર રહ્યા હતા. ક્વાડ દેશોએ ક્રિટિકલ
મિનરલ્સ ફ્રેમવર્ક શરૂ કરવાનો નિર્ણય કર્યો તો, જેના હેઠળ ખાણકામ, પ્રોસાસિંગ, રિસાયક્લિંગ
અને સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે સાથે મળીને રોકાણ અને સહયોગ વધારવામાં આવશે. ભારત
અને અમેરિકાએ ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ સપ્લાય સુરક્ષિત કરવા માટે દ્વિપક્ષીય
કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેનાથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક સહયોગ
વધશે. ક્વાડ દેશોએ ઇન્ડો-પેસિફિકમાં ઊર્જા સુરક્ષા વધારવા માટે નવી પહેલ શરૂ કરી છે,
જેના હેઠળ ફ્યુઅલ સિક્યોરિટી ફોરમ અને પ્રાદેશિક ઊર્જા સહયોગને આગળ વધારવામાં આવશે.
હિંદ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ દેખરેખ વધારવા માટે ક્વાડ દેશો સેટેલાઇટ
ડેટા શેર કરશે, જેનાથી તસ્કરી, ગેરકાયદેસર માછીમારી અને આપત્તિ રાહતમાં મદદ મળશે. ક્વાડ
દેશોએ ફિજીમાં પોર્ટસ ઓફ ધ ફયૂચર પરિયોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત
બંદરગાહ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાદેશિક કનેક્ટિવિટીને મજબૂત કરવામાં આવશે.