નવી દિલ્હી, તા. 2 : સુપ્રીમ કોર્ટે
ગુરુવારે બંગાળના માલદા જિલ્લામાં મતદારયાદી સુધારણા (સર) સાથે જોડાયેલા સાત ચૂંટણી
નિરીક્ષકને નવ કલાક સુધી બંધક બનાવવાની ઘટના પર નારાજગી દર્શાવી હતી અને તપાસ એનઆઇએને
સોંપવાનો આદેશ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે, બંગાળ સૌથી ધ્રુવીકરણગ્રસ્ત રાજ્ય છે અને કોણ
ઉપદ્રવી છે તે અમે જાણીએ છીએ. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, નવ કલાક બંધક બનાવી ખાવાનું અને પાણી પણ ન અપાયાં. આ ઘટના સમજી-વિચારીને કરાયેલું
ભડકાઉ કૃત્ય લાગે છે. આમ કરવાનો હેતુ ન્યાયિક અધિકારીઓનું મનોબળ તોડી ચૂંટણી પ્રક્રિયાને
અવરોધવાનો છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા
બાગચી અને વિપુલ પંચોલીની ખંડપીઠે કહ્યું હતું કે, બંગાળમાં કાયદો-વ્યવસ્થા
ધ્વસ્ત થઇ ગઇ છે. ખંડપીઠે ગૃહસચિવ, ડીજીપી અને અન્ય અધિકારીઓ
પાસેથી તેમની નિક્રિયતા પર જવાબ માગ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે મમતા સરકારને
ફટકાર લગાવતાં તેના વકીલને કહ્યું હતું કે, આપનાં રાજ્યના દરેક
અધિકારી રાજકીય ભાષા બોલે છે. હું રાતે બે વાગ્યા સુધી સ્થિતિની જાણકારી લઇ રહ્યો હતો.
શું આપ સમજો છે કે, ઉપદ્રવી કોણ હતા, તે
અમે નથી જાણતા, તેવું તેમણે તૃણમૂલ સરકારને ફટકાર સાથે કહ્યું
હતું. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, રાતના 11 વાગ્યા સુધી આપના કલેક્ટર પણ
ત્યાં નહોતા પહોંચ્યા. મને ન્યાયિક અધિકારીઓની સુરક્ષા માટે કડક આદેશ આપવો પડયો. સુપ્રીમ
કોર્ટે પશ્ચિમ બંગાળને સૌથી ધ્રુવીકૃત રાજ્ય ગણાવતાં કહ્યું હતું કે, બંગાળમાં દરેક રાજકીય ભાષા બોલે છે. સીજેઆઈએ
ખુલાસો કર્યો હતો કે, તેઓ પોતે બે વાગ્યા સુધી સ્થિતિની દેખરેખ
કરી રહ્યા હતા અને કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત
કરવા માટે ડીજીપી તેમજ ગૃહ સચિવને ફોન કરવા પડયા હતા. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો
હતો કે, આ ઘટનાની તપાસ સીબીઆઈ અથવા એનઆઈએ દ્વારા કરવામાં આવે
અને તપાસ એજન્સી પોતાનો રિપોર્ટ સીધો સુપ્રીમ કોર્ટને સોંપે. સુનાવણી દરમિયાન પશ્ચિમ
બંગાળના એડવોકેટ જનરલ કિશોર દત્તાએ કહ્યું હતું કે, ચૂંટણી આચારસંહિતા
લાગુ થવાના કારણે ચૂંટણીપંચે એક પક્ષ તરીકે કામ કરવું ન જોઈએ તેના ઉપર સુપ્રીમે પલટવાર
કર્યો હતો અને કહ્યું હતું કે, અદાલતને બોલવા મજબૂર ન કરે,
તેઓને ખ્યાલ છે કે ઉપદ્રવી કોણ
છે. રાજ્ય સરકાર ફરજ બજાવવામાં નિષ્ફળ રહી છે અને અધિકારીઓએ કહેવું પડશે કે સૂચના મળવા છતાં પણ અધિકારીઓને રેસ્કયૂ
કરવામાં વિલંબ શું કામ કરવામાં આવ્યો. જસ્ટિસ બાગચીએ સ્પષ્ટ કર્યું હતું કે,
વિશેષ અધિકારીઓ સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર કામ કરી રહ્યા છે અને તેની
સુરક્ષાની જવાબદારી અદાલતની છે. બનાવ અંગે
પ્રતિક્રિયા આપતાં મમતા બેનરજીએ કહ્યું હતું કે, તેમની પાસે કોઈ
પાવર નથી. તમામ શક્તિ છીનવી લેવામાં આવી છે. ગૃહ સચિવ, સીએસ,
એસપી, ડીજીપી, ડીએમ તમામની
બદલી કરી દેવામાં આવી છે. ચૂંટણીપંચ આ બનાવ માટે જવાબદાર છે. જ્યારે ભાજપ તરફથી અમિત
માલવિયએ કહ્યું હતું કે, કાયદો વ્યવસ્થાને આવી રીતે ધ્વસ્ત થવા
દેવાય નહીં. ઉત્તરી બંગાળ અને દક્ષિણી બંગાળનો પૂરી રીતે સંપર્ક તૂટી ગયો હતો. સ્થિતિ
પૂરી રીતે નિયંત્રણની બહાર થઈ હતી.