નવી દિલ્હી,
તા. 9 : સુપ્રીમ
કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરતાં દેશમાં ગતિભેર વધતા ડિજિટલ છેતરપિંડીના મામલાઓને
`લૂંટ' લેખાવ્યા હતા. અદાલતે જણાવ્યું હતું
કે, સાયબર અપરાધ મારફતે અત્યાર સુધીમાં 54 હજાર કરોડ રૂપિયાથી વધુ લૂંટ ચલાવાઈ છે. સુપ્રીમ કોર્ટે
ગુજરાત અને દિલ્હીની સરકારોને ઓળખ કરી લેવાઈ છે, તેવા મામલાઓની
તપાસ માટે જરૂરી મંજૂરી વિના વિલંબ આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી તપાસ પ્રક્રિયા અવરોધાય નહીં. સર્વોચ્ય અદાલતે કેન્દ્ર સરકારને ડિજિટલ
છેતરપિંડી પર અસરકારક રીતે નિયંત્રણ મૂકવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ની એસઓપી
દેશભરમાં લાગુ કરવા નિર્દેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત જસ્ટિસ જોયમાલ્યા
બાગચી અને મૂળ કચ્છના જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે એવું પણ સ્પષ્ટ કર્યું હતું
કે, ડિજિટલ છેતરપિંડીના મામલાઓમાં બેન્કોની બેદરકારીની શક્યતા
નકારી ન શકાય. અન્ય એક ધ્યાન ખેંચનાર ટિપ્પણીમાં કોર્ટે કહ્યું હતું કે, સાયબર અપરાધોમાં અધિકારીઓની મિલીભગતની
સંભાવના પણ નકારી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આરબીઆઈ તેમજ બેન્કોને આવા મામલાઓમાં સમયસર
અને કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. ડિજિટલ અપરાધોનાં દૂષણને ડામવાની
દિશામાં એક મહત્ત્વનો નિર્દેશ આપતાં સુપ્રીમે કહ્યું હતું કે, આંતરવિભાગીય એજન્સીઓ વચ્ચે શ્રેષ્ઠ સંકલન માટે સમજૂતી કરાર મુસદ્દો તૈયાર થવો
જોઈએ. સર્વોચ્ય અદાલતે સીબીઆઈને દેશભરમાં સામે આવેલા ડિજિટલ અરેસ્ટના મામલાઓની ઓળખ
કરીને એ તમામ કેસ સાથે જોડાયેલાં તથ્યોની વિસ્તૃત તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અદાલતે
આરબીઆઈ, દૂરસંચાર વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓને એક સંયુક્ત
બેઠક યોજવાનો આદેશ આપ્યો હતો.