• મંગળવાર, 10 માર્ચ, 2026

રણોત્સવ કચ્છના વિકાસનું પ્રતિબિંબ

ગાંધીનગર, તા. 9 : કચ્છના ધોરડો ખાતે યોજાતા રણોત્સવ દરમિયાન લાઈટ એન્ડ સાઉન્ડ શો અંગે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પ્રવાસન રાજ્ય મંત્રી  જયરામ ગામિતે જણાવ્યું હતું કે, વિશ્વના એક માત્ર એવા સફેદ રણમાં ઉજવાતા રણોત્સવ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને વધુ આકર્ષિત બનાવવા માટે રણોત્સવ દરમિયાન દરરોજ સાંજે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવે છે. આ લાઈટ અને સાઉન્ડ શો રણ અને ભૂમિની થીમ પર આધારિત છે, જેમાં કચ્છના ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓનું જીવંત દર્શન કરાવવામાં આવે છે. શોમાં હડપ્પન સંસ્કૃતિ, ધોળાવીરાનું નગર આયોજન, કોટેશ્વર મંદિરનો પૌરાણિક ઈતિહાસ, ઝારાની લડાઈ તેમજ વર્ષ 2001ના ભૂકંપ પછી કચ્છના વિકાસની ગાથા રજૂ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ 1971ના યુદ્ધ દરમિયાન ભુજ એરસ્ટ્રીપને માત્ર 72 કલાકમાં ફરી તૈયાર કરવામાં કચ્છની 300થી વધુ મહિલાઓએ આપેલા અદભૂત યોગદાનને પણ દર્શાવવામાં આવે છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, આ લાઈટ અને સાઉન્ડ શો પ્રવાસીઓ માટે તા. 26 ડિસેમ્બર 2023થી શરૂ કરવામાં આવ્યો છે. રણોત્સવ દરમિયાન દરરોજ બે શો યોજવામાં આવે છે અને એક સાથે આશરે 250 પ્રવાસીઓ તેને નિહાળી શકે છે. ધોરડો ખાતે આ પ્રોજેક્ટની કામગીરી 27 મે 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી અને 20 ડિસેમ્બર 2023ના રોજ પૂર્ણ થઈ હતી. પ્રોજેક્ટમાં પ્રોજેક્ટર, સાઉન્ડ સિસ્ટમ, વિવિધ પ્રકારની લાઈટિંગ, ક્રિપ્ટ અને વોઈસ ઓવર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

Panchang

dd