• ગુરુવાર, 03 જુલાઈ, 2025

સેના પ્રમુખને મળી વિશેષ સત્તા

નવી દિલ્હી, તા. 9 : ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને ઓપરેશન સિંદૂરના સંદર્ભે રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા અને આપાતકાલીન સ્થિતિમાં સેનાને બળ આપવા સરકારે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને પ્રાદેશિક સેના (ટેરિટોરિયલ આર્મી)ના પ્રત્યેક અધિકારી અને સદસ્યને સેનાના સમર્થનમાં પૂરક બનાવવા સત્તા અપાઈ હતી. એક મીડિયા હેવાલ મુજબ, સત્તાવાર જાહેર કરાયેલા નિવેદનમાં હવે સેના પ્રમુખ જરૂર પડે ત્યારે પ્રાદેશિક સેનાના 50 હજાર જવાન, 65 યુનિટ અને 6 બટાલિયન સહિતના દરેક અધિકારી અને જવાનોને આવશ્યક સુરક્ષાની દૃષ્ટિએ રણનીતિક સ્થાનો, માળખું અને સંવેદનશીલ ક્ષેત્રની સુરક્ષા સુનિશ્ચિત કરવા ગમે ત્યારે બોલાવી શકે છે. પ્રાદેશિક સેનામાં પાયદળ સેના, એન્જિનીયરિંગ, સિગ્નલ અને સૈન્ય તંત્ર જેવા વિભાગો ઉપરાંત ઈકોલોજિકલ ટાસ્ક ફોર્સ અને રેલવે એન્જિનીયર રેજિમેન્ટ સહિતના વિભાગો સામેલ છે. આ બટાલિયનને દેશના વિભિન્ન સૈન્ય કમાનોમાં તૈનાત કરવામાં આવશે, જેમાં દક્ષિણી કમાન, પૂર્વી કમાન, પશ્ચિમી કમાન, કેન્દ્રીય કમાન, ઉત્તરી-દક્ષિણ-પશ્ચિમી કમાન, અંદામાન અને નિકોબાર  કમાન અને આર્મી ટ્રેનિંગ કમાન સામેલ છે. પ્રાદેશિક સેનાને ભારતની `બીજી રક્ષા પંક્તિ'ના રૂપમાં ઓળખવામાં આવે છે. આ સેના સામાન્ય નાગરિકોથી બનેલી હોય છે. જેને જરૂરિયાતના સમયે સેનાની મદદ માટે બોલાવવામાં આવી શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, વર્તમાન સ્થિતિમાં પ્રાદેશિક સેનાની તૈનાતીથી સેનાને વધુ બળ મળશે અને સરહદી વિસ્તારમાં દેખરેખ અને જવાબી કાર્યવાહીની ક્ષમતા પણ મજબૂત બનશે.  ઉલ્લેખનીય છે કે, આ પ્રાદેશિક સેનાને 1962, 1965, 1971 અને 1999ના યુદ્ધમાં તૈનાત કરાઈ હતી, તો આ સેના આતંકવાદ વિરોધી અભિયાનો, આપત્તિમાં રાહત આપવા તથા પર્યાવરણ સંરક્ષણમાં પણ યોગદાન આપે છે. 

Panchang

dd