• સોમવાર, 27 જુલાઈ, 2026

ટેન્કરનાં ગુપ્ત ખાનાનું રહસ્ય ખુલ્યું : 51 લાખનો દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 26 : શહેરની બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક અત્યંત પ્રશંસનીય અને સફળ કાર્યવાહી કરીને હાઇવે પરથી પસાર થતા ટેન્કરના ગુપ્ત ખાનામાં છૂપાવેલો રૂા. 51,03,480નો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસની સતર્કતા અને ચોક્કસ આયોજનના કારણે દારૂનું મોટું નેટવર્ક પકડાતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરની બી-ડિવિઝન પોલીસને પૂર્વ બાતમી મળી હતી કે, એક ટેન્કર દારૂ છૂપાવીને ભચાઉથી કંડલા આવતા ધોરીમાર્ગ ઉપરથી પસાર થવાનું છે. દરમ્યાન સ્ટાફના રાજેન્દ્રકુમાર, પુષ્પરાજસિંહ, સુરેશ પીઠિયા, પ્રવીણસિંહ, રવિ આલ, મહેશ ધોધોળ, મુકેશ રાણા, કિશન જરૂ, ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરેએ મચ્છુનગર પુલિયા પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીવાળું ટેન્કર નંબર જીજે-33-ટી-5925 આવતાં પોલીસે તેને રોકાવ્યું હતું. વાહનના ચાલક મોટારામ પુનારામ જાટની પૂછપરછ કરાતાં તેણે ગોળ-ગોળ જવાબ આપ્યા હતા, પરંતુ પોલીસની તીક્ષ્ણ નજરે ટેન્કરના વિશેષ ડિઝાઇન કરેલા પાંચ ખાનાવાળા ભાગને પારખી લીધો હતો. ટેન્કરના પાછળના ભાગે આવેલા પાંચ ટેન્કના ઢાંકણા ખોલી અંદર ઊતરી તપાસ કરાતાં અંદર નટબોલ્ટ જણાઇ આવ્યા હતા. આ નટબોલ્ટ ખોલીને તપાસ કરાતાં ચોર ખાનું નજરે પડયું હતું, જેમાં દારૂની પેટીઓ જણાઇ આવી હતી. પોલીસે આ ટેન્કર બી-ડિવિઝન પોલીસ મથકે લઇ જઇ ખાના ખોલીને જોતાં દારૂનો મોટો જથ્થો જણાઇ આવ્યો હતો. આ વાહનમાંથી પુષ્પા સ્ટાઇલમાં લવાયેલો ગ્રીન લેબલ 180 મિ.લિ.ના 7200 ક્વાર્ટરિયા, ઓફિસર્સ ચોઇસના 3312 ક્વાર્ટરિયા, રોયલ ચેલેન્જના 2592 ક્વાર્ટરિયા, મેકડોવેલ્સ નંબર-1ના 2352 ક્વાર્ટરિયા, ઓલ સિઝનના 1968 ક્વાર્ટરિયા, મેજીક મુમેન્ટસના 1440 ક્વાર્ટરિયા, 8 પી.એમ.ના 1152 ક્વાર્ટરિયા, મેજીક મુમેન્ટસ ગ્રીન એપલના 720 ક્વાર્ટરિયા, મેજીક મોમેન્ટસ ઓરેન્જ ફલેવર્ડના 672 ક્વાર્ટરિયા, મેજીક મુમેન્ટસ આલ્ફાન્સોના 480 ક્વાર્ટરિયા, રોયલ સ્ટેગની 375 મિ.લિ.ની 840 બોટલ એમ કુલ રૂા. 51,03,480નો શરાબ હસ્તગત કરાયો હતો. ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલો આ દારૂ ચાલક મોટારામ જાટને રાજસ્થાનના પવનસિંહ મહેચ્છાએ ભરી આપ્યો હતો તેમજ મેઘપર બોરીચીના ચંદન ગુપ્તા અને રાહુલસિંહ જાડેજાના માણસોને આપવાનો હતો. પકડાયેલા આ ચાલક પાસેથી દારૂ, ટેન્કર, મોબાઇલ, ફાસ્ટ ટેગ એમ કુલ રૂા. 81,13,980નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. માલ મગાવનારા સ્થાનિક બુટલેગરો હાથવેંતમાં હોવાનું બહાર આવ્યું હતું. પી.આઇ. એસ.વી. ગોજિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે આ કાર્યવાહી કરી હતી. પોલીસની સતર્કતાભરી આ કામગીરીના પગલે બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું હતું. 

Panchang

dd