• સોમવાર, 27 જુલાઈ, 2026

પત્ની બાળકો સાથે રીસામણે જતાં પતિનો આપઘાત

ભુજ/ગાંધીધામ, તા. 25 : તાલુકાના મમુઆરામાં ગઇકાલે 39 વર્ષીય અંજારના યુવાન ભરતભાઇ રાયમલભાઇ કોલીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અઠવાડિયા પૂર્વે ઝઘડાના લીધે ભરતભાઇની પત્ની બાળકો સાથે માવતરે રીસામણે ચાલી જતાં તે વાત મનમાં લાગી આવતાં તેણે અંતિમ પગલું ભરી લીધું હતું. બીજી તરફ નખત્રાણાના આમારામાં વાડીમાં લીમડાની ડાળી કાપવા જતાં વીજશોક લાગવાથી 48 વર્ષીય આધેડ રમદાન જુમાભાઇ સોલંકીનું મોત થયું હતું. આવી જ રીતે ભુજના આર્મી કેમ્પમાં રસોઇ બનાવતી વેળાએ 39 વર્ષીય પુરાલાલ ગંગારામ ચંદ્રવંશીને પણ શોર્ટ થકી મોત  નીપજ્યું હતું. દરમ્યાન વરસાણા ચોકડી પાસેની ખાનગી કંપનીના રૂમમાં રહેતા અનુ. જાતિના દુર્ગાલાલ ગોવિંદભાઇ દવા પી જતાં તેણે સારવાર દરમ્યાન દમ તોડયો હતો. મૂળ અંજારના શેખટીંબોના હાલે મમુઆરા સીમની ક્રિષ્ના પાઇપ ફેક્ટરીમાં રહેતા શ્રમિક એવા ભરતભાઇ કોલીનો તેની પત્ની સાથે અઠવાડિયા પહેલાં બોલાચાલી, ઝઘડો થતાં તેની પત્ની બાળકો સાથે માવતરે રીસામણે ચાલી જતા તે વાતનું ભરતભાઇને મનમાં લાગી આવતા તા. 23/7ના રાતથી બીજા દિવસની સવાર સુધી કોઇ પણ સમયે પોતાની રહેણાકની ઓરડીમાં લોખંડની આડી પર નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. આ અંગે પદ્ધર પોલીસ મથકે મૃતકના ભાઇ વિનોદભાઇએ વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ આજે સવારે 10 વાગ્યા આસપાસ નખત્રાણા તાલુકાના આમારા ગામમાં રહેતા રમદાન સોલંકી આમારા સીમ વિસ્તારમાં જયંતીભાઇ વાલજીભાઇ પટેલની વાડીના સેઢા ઉપર લીમડાના ઝાડની ડાળી કાપી રહ્યો હતો ત્યારે  પસાર થતી પવનચક્કીની વીજલાઇનમાંથી રમદાનને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હોવાની વિગતો નખત્રાણા પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત ગઇકાલે રાતે ભુજના આર્મી કેમ્પની અંદર મૂળ ઝાલાવાડ બાજુના પુરાલાલ ચંદ્રવંશી રસોઇ બનાવતા હતા, ત્યારે તેને વીજ કરંટ લાગતા તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તેનો કાકાઇ ભાઇ ઇશ્વર ચંદ્રવંશી લઇ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવી હતી. દરમ્યાન વરસાણા ચોકડી પાસેની સીપીએલ કંપનીના રૂમમાં  રહેતા દુર્ગાલાલ નામના યુવાને ગત તા. 22/7ના 6 વાગ્યાના અરસામાં  કોઈ કારણોસર દવા પીધી હતી.  ત્યારબાદ તેમને રામબાગ સરકારી હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાયા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ તેમણે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવાયા હતા. ગત તા. 24/7ના બે વાગ્યાના અરસામાં તેમણે ચાલુ સારવારે આંખો મીંચી લીધી હતી. ભુજ સરકારી હોસ્પિટલના ડો. જીત ડોબલિયાએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ હાથ ધરી છે.  

Panchang

dd