• બુધવાર, 27 મે, 2026

રત્નાપર (મઉં) હત્યા કેસમાં આરોપી નિર્દોષ

ભુજ, તા. 26 : એકાદ વર્ષ અગાઉ માંડવી તાલુકાના રત્નાપર (મોટી મઉં) ખાતે ચારિત્ર્યની શંકા રાખી ધરતીબેનની હત્યાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે.  આ બનાવની વિગત અનુસાર આજથી એકાદ વર્ષ અગાઉ રત્નાપર (મોટી મઉં)ની સીમમાં આરોપી સદગુરુ પ્રવીણભાઈ તડવી તેમજ મરણજનાર ધરતીબેન બંને દિશાંતભાઈ પોકારની વાડી ઉપર રહી મજૂરી કામ કરતા હતા. આ દરમ્યાન આરોપીને ધરતીબેનના ચારિત્ર્ય પર શંકા રાખી રાત્રિના ભાગે તેની સાથે ઝઘડો કરી માથું તેમજ ગળું દબાવી તેનો શ્વાસ રૂંધાવી હત્યા નીપજાવતાં ગુનો ગઢશીશા પોલીસ મથકે નોંધાયો હતો.  આ ગુનામાં આરોપી સદગુરુ તડવીની ધરપકડ કરવામાં આવી હતી અને કેસ ભુજની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકાર દ્વારા સાક્ષી તથા વિવિધ દસ્તાવેજી પુરાવાઓ ચકાસવામાં આવ્યા, જેમાં સેશન્સ કોર્ટના જજ મહિડા દિલીપ પી.એ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કર્યો છે. આ કેસમાં આરોપી તરફે વકીલ એ.આર. મલેક અને સાથે પ્રફુલ્લકુમાર બી. સીજુ, નવીન આર. સીજુ, કેશવ જે. ભદ્રુ હાજર રહ્યા હતા. - દીકરીનો પૈતૃક સંપત્તિ પર હક્ક : ધનબાઈ ગાભુ સંઘાર અને રાણબાઈ ગાભુ સંઘારે તેમની પિતાની મિલકતમાં ભાગ માગતો અને તેમના ભાભી તથા ભત્રીજા તેમના ભાગે આવતી મિલકતનો ભાગ ફાળાનો દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવી આપે તેવી માગણી કરતો દાવો દાખલ કર્યો હતો અને તે દાવા કામે તેમના ભાભી વાલબાઈ ઈબ્રાહીમ સંઘાર તથા રવજી ઈબ્રાહીમ સંઘારે તેમને તેમની પૈતૃક મિલકતમાંથી ભાગ આપવાની અને ભાગ ફાળો કરી આપવાની ના પડેલ અને એવો બચાવ રજૂ કરેલ કે વાદીઓના લગ્ન 40 વર્ષ પહેલાં થઈ ગયાં છે અને તે વખતે જ તેમણે પોતાના હક્કો મેળવી લીધા છે. હવે પરિણીત પુત્રીના દાવાવાળી જમીનમાં કોઈ હક્કો પોષાતા નથી અને દાવાવાળી જમીન ઉપર વાદીઓનો કબજો પણ નથી તેવા સંજોગોમાં પૈતૃક મિલકતોમાં તેમને કોઈ હક્કભાગ મળી શકે નહીં. આ બાબતે કોર્ટે પોતાના ચુકાદામાં નોધ્યું ક,ઁ હિન્દુ વારસાહક્ક અધિનિયમની કલમ-6 મુજબ કોઈ પણ હિન્દુ વ્યક્તિની વણવહેંચાયેલી મિલકતમાં તેમના દીકરા અને દીકરીઓ જન્મથી જ હક્કદાર ઠરે છે. દીકરી પરિણીત હોય કે અપરણિત લગ્ન થવાથી દીકરીનો પૈતૃક સંપત્તિ પરનો હક્ક નાબુદ થતો નથી. પરણીત દીકરી પણ પોતાના પિતાની વારસાગત મિલકતમાં હિસ્સો માગી  શકે છે, તેવા તારણો સાથે વાદીનો દાવો મંજૂર કરી અને કલેક્ટરને આદેશ કર્યો કે દાવાવાળી જમીનમાંથી બે ભાગનો કબજો 60 દિવસની અંદર બંને દીકરીને સોંપી આપવાના આ કેસમાં વાદી તરફે વકીલ દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી તેમની સાથે વકીલ ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, જય કટુઆ, અંકિત ભાનુશાલી હાજર રહ્યા હતા. - જવાહનગર જમીન વેચાણના દસ્તાવેજોની બંને નોંધ નામંજૂર : ભુજ  તાલુકાના  જવાહરનગરની રે.સ.નં. 32વાળી  ખેતીની જમીનમાં વાંધેદાર મરિયાબાઈ  ડો/ઓ નૂરમામદ કટિયા વા/ઓ  અલીમામદ હોડાનો વારસાઈ હક્ક  છૂપાવી તેના પરિવાર દ્વારા  વારસાઈ  નોંધ નાખવામાં આવી હતી અને ત્યારબાદ હક્ક કમીની નોંધ પાડીને હાલે આ ખેતીની જમીન  કાસમ  ખમીશા  કટિયા,  રમજાન ખમીશા  કટિયા, આદમ  ખમીશા  કટિયા,  ગનીમામદ  ખમીશા કટિયા,  ઈબ્રાહીમ  ખમીશા  કટિયા, સલીમ ખમીશા કટિયાના  નામે   આવેલી છે.  આ લોકો  વાંધેદાર  મરિયાબાઈનો વારસાઈ  ભાગ  છૂપાવીને  જમીનનું  વેચાણ હાજી  સુલેમાન કટિયાને  અને  બીજી જમીનનું વેચાણ  હસન સુલેમાન કટિયાને બંને આઘાટ  વેચાણ  દસ્તાવેજથી  કરવામાં આવ્યું હતું.  બંને નોંધ સામે વાંધેદાર મરિયાબાઈ  દ્વારા લેખિતમાં વાંધો  આપવામાં  આવ્યો હતો. નાયબ કલેક્ટર અને સબ  ડિવિઝનલ મેજિસ્ટ્રેટે વાંધેદારની વાંધાઅરજી અંશત: ગ્રાહ્ય રાખી  હતી.  બંને દસ્તાવેજ વેચાણની નોંધો  નામંજૂર  કરવામાં  આવી હતી. આ તકરારી કેસમાં  વાંધેદાર  તરફે એડવોકેટ એ.એ.  પઢિયાર  હાજર રહ્યા  હતા. - 70 કરોડના ફ્રોડમાં બે આરોપીના જામીન મંજૂર : મ્યુલ એકાઉન્ટ  સંબંધિત ભુજના  એ-ડિવિઝન પોલીસ મથકે 70 કરોડના સાયબર ફ્રોફના કેસમાં આરોપી રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજા શામજી ગરવા અને આરોપી નિખિલભાઈ નાનજીભાઈ મહેશ્વરીએ અલગ-અલગ સમયે નિયમિત જામીન અરજી કરતા અધિક સેશન્સ અદાલતે તેઓના જામીન મંજૂર કર્યા છે. બંને આરોપીઓના વકીલ તરીકે આર. એસ. ગઢવી, વીનિત જી. ચૌધરી, વિશ્વા એન. પરમાર, શિવમ્ બી. સોલંકી હાજર રહ્યા હતા. 

Panchang

dd