• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

ચિત્રોડ બાદ કાનમેરમાં મંદિરો પર તસ્કરોનું આક્રમણ

ગાંધીધામ, તા. 12 : વાગડ પંથકના ચિત્રોડ તથા આસપાસના વિસ્તારમાં 11 મંદિરોમાંથી સામૂહિક ચોરીના બનાવ બાદ રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથક હેઠળ આવતા કાનમેરમાં એકીસાથે આઠ મંદિરોનાં તાળાં તૂટતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી પ્રસરી હતી. આ આઠ મંદિરોમાંથી દાગીના, રોકડ રકમની નિશાચરોએ તફડંચી કરી હતી. રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથક હેઠળ આવતા ચિત્રોડ અને આસપાસના વિસ્તારમાં 11 મંદિરોમાંથી 97 હજારની મતાની તસ્કરોએ તફડંચી કરી હતી. આ બનાવની શાહી હજુ સુકાઇ નથી તેવામાં વધુ એક વખત મંદિરોમાં સામૂહિક ચોરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. ચિત્રોડ જેઠાસરીમાં વિવિધ સમાજના ઇષ્ટદેવોના મંદિરોમાંથી ચોરીનો બનાવ બનતાં ખુદ પોલીસવડા સાગાર બાગમાર ત્યાં દોડી ગયા હતા અને પોલીસને સૂચનો કર્યાં હતાં. આ પ્રકરણમાં પોલીસને હજુ સુધી કોઇ જ કડી મળી નથી તેવામાં બીજા બનાવથી લોકોમાં અસુરક્ષાની લાગણી પ્રસરી છે. જુદા જુદા પોલીસ મથકો હેઠળ આવતાં ગામોમાં પોલીસે દાતાઓના કે પંચાયતના સહકારથી સી.સી.ટી.વી. કેમેરા ગોઠવ્યા છે, પરંતુ આવા બનાવોમાં પણ આરોપી ન ઝડપાતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. પૂર્વ કચ્છમાં અસામાજિક તત્ત્વોને કાયદાનો કોઇ ડર જ ન હોય તેમ દિન-પ્રતિદિનિ એક બાદ એક ચોરી, હત્યા, મારામારી સહિતના ગંભીર બનાવો બની રહ્યા છે, તેવામાં ગાગોદર પોલીસ મથક હેઠળના કાનમેર ગામમાં આવેલા આઠ જેટલાં મંદિરોમાં નિશાચરોએ સામૂહિક ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. મંદિર ચોરીના બનાવોને ઉપરાઉપરી અંજામ આપીને તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે અને પાછળ લંગડાતી ચાલે પોલીસનો ઘોડો તસ્કરોનો પીછો કરી રહ્યો છે. ગતરાત્રિ દરમ્યાન આ આઠ મંદિરોમાંથી તસ્કરોએ ભગવાનના આભૂષણો અને દાનપેટીમાંથી રોકડ રકમની તફડંચી કરી હતી. ગતરાત્રિ દરમ્યાન થયેલ ચોરીના આ બનાવ અંગે આજે સમીસાંજ સુધીમાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ નહોતી. કાનમેરમાં લોકોનાં ઘર પાસે લાગેલા સી.સી.ટી.વી.માં ત્રણેક બુકાનીધારી મોડીરાત્રિના સમયે નજરે ચડયા હતા અને એકાદ શખ્સને પકડી લેવાયો હોવાનું પણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ગાગોદર પી.આઇ. વી. એ. સેંગલનો સંપર્ક કરતાં તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો. મંદિરચોરીના આવા બનાવોથી શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી પ્રસરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang