ગુવાહાટી, તા. 21 : આસામ
પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિબ્રુગઢમાં એમોનિયા-યુરિયા
પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું,
જેની વાર્ષિક ઉત્પાદ ક્ષમતા 12.7 લાખ ટનની હશે. આ અવસરે જનસભાને
સંબોધનમાં વિપક્ષ પર પ્રહાર કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, કિસાનોને ખાતર મેળવવા
માટે લાકડીઓ ખાવી પડતી હતી. કોંગ્રેસે તેના સમયમાં કરવાના કામો ન કર્યાં એટલે મને
વધુ મહેનત કરવી પડે છે. બાંગલાદેશી ઘૂસણખોરોને વસાવવાનું કામ પણ કોંગ્રેસે જ
કર્યું છે. કોંગ્રેસ જ તેમને બચાવે છે. `સર'નો વિરોધ કરે છે તેવા
પ્રહાર તેમણે કર્યા હતા. આસામને તુષ્ટિકરણ અને વોટ બેન્કની રાજનીતિથી બચાવવું છે.
હું આપને ગેરંટી આપું છું કે, આસામની ઓળખ અને સન્માનની
સુરક્ષા માટે ભાજપ સતત લડશે તેવું વડાપ્રધાન મોદી લોકોને સંબોધતાં બોલ્યા હતા.
અગાઉ વડાપ્રધાને ગુવાહાટી નદીમાં બ્રહ્મપુત્રા નદીમાં ક્રૂઝ પર 25 બાળક
સાથે 45 મિનિટ સુધી પરીક્ષા પર ચર્ચા કરી હતી. ત્યારબાદ મોદીએ શહીદ
સ્મારક પહોંચીને 1985માં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ આસામ
આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, અમે યુરિયા ત્રણ હજાર
રૂપિયામાં લાવીએ છીએ અને કિસાન ભાઇઓને
માત્ર 300 રૂપિયામાં આપીએ છીએ. આપણે
ધરતીમાતાને વધુ પડતા યુરિયાથી બચાવવાની છે.