• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

મોદીની ઓમાન સહિત ત્રણ દેશની ફળદાયી યાત્રા

જોર્ડન અને ઇથોપિયાનો પ્રવાસ સંપન્ન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓમાન પહોંચ્યા એનું વિશેષ મહત્ત્વ છે. ઇન્ડિયા ઓમાન બિઝનેસ ફોરમને સંબોધન કરતાં વડાપ્રધાને બંને દેશ વચ્ચેની ઘનિષ્ઠ મિત્રતાની વાત કરી... `મસ્કતમાં મિની ઇન્ડિયા વસે છે' એમ તેમણે કહ્યું. હકીકતમાં મસ્કતને મિની ગુજરાત અને મિની કચ્છ પણ કહી શકાય. ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથેની આર્થિક સમજૂતી મુજબ ભારતથી નિકાસ થતા માલ-સામાન પૈકી 98 ટકા ચીજોને જકાતમુક્ત એન્ટ્રી મળશે. ભારતના વધતા વર્ચસ્વ અને વિશ્વમાં નરેન્દ્ર મોદીના માન-સન્માનથી જાણે તેજોદ્વેષ અનુભવતા હોય તેમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 100 ટકા ટેરિફ લાદવા સહિતના અનેક કઠોર પગલાં લીધાં છે. ભારતે તેની વિચક્ષણ રાજદ્વારી નીતિ મુજબ દુનિયાના દરેક ખૂણે વેપાર-કારોબારના અન્ય દરવાજા ખોલી નાખ્યા છે. મોદીએ કહ્યું કે, આ વ્યાપક આર્થિક ભાગીદારી-સમજૂતીથી બંને દેશમાં બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ સંબંધોને વેગ મળશે. ઓમાન સાથે ભારત સદીઓ જૂના સમુદ્રી વ્યાપારિક સંબંધો ધરાવે છે. ફ્રી ટ્રેડ સમજૂતી થતાં ટેક્સટાઇલ, કૃષિ ઉત્પાદનો અને ચામડાના સામાન સહિતનાં ક્ષેત્રોને લાભ મળશે. ઓમાન-ભારતની મૈત્રીનો અધ્યાય જૂનો છે. માંડવી-મસ્કતના સંબંધો પ્રગાઢ છે. કચ્છની ખીમજી રામદાસ કંપની ત્યાંના સુલતાન પરિવાર સાથે નિકટના સંબંધ ધરાવે છે. કચ્છ-માંડવીના ભાટિયા પરિવાર 1870થી મસ્કતમાં રહે છે. ઓમાન-ભારત સંબંધોની હીરક જયંતી ઊજવાઇ એ અરસામાં મોદીની મુલાકાતથી સંબંધો વધુ પ્રગાઢ બનશે. સુલતાને વડાપ્રધાનને ઓમાનના સર્વોચ્ચ સન્માનની નવાજેશ કરી છે. ઓમાન હોય, ઇથોપિયા હોય કે જોર્ડન મોદીને સ્થાનિક જનતાનો ભરપૂર પ્રેમ અને સત્કાર મળ્યો... અદિસ અબામા ઈથોપિયાની સંસદના સંયુક્ત સત્રને નરેન્દ્રભાઈએ સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિશ્વની 18મી સંસદ છે, જ્યાં નરેન્દ્રભાઈએ સંબોધન કર્યું છે. તેમણે બંને દેશો વચ્ચેની ઘણી મહત્ત્વની વાત કરી તેમાં ગુજરાત માટે અગત્યનું તો એ છે કે, ગીરની ધરતીને તેમણે યાદ કરી. વડાપ્રધાને કહ્યું કે, તમારી સામે ઊભા રહેવું મારા માટે સન્માનજનક છે. કારણ કે, સિંહોની ધરતી ઉપર આવીને મને ઘણું સારું લાગી રહ્યું છે. મારી માતૃભૂમિ ગુજરાત પણ સિંહોનું ઘર છે એટલે મને અહીં વધારે પોતીકાપણું અનુભવાઈ રહ્યું છે. દેશમાં અત્યારે `વંદે માતરમ્' ગીત પર વિવાદ ચાલી રહ્યો છે. સંસદમાં પણ વડાપ્રધાને અગત્યની વાત આ ગીત ઉપર કરી હતી ત્યારે ઈથોપિયાની સંસદમાં પણ આ ગીતનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, ભારતનું રાષ્ટ્રીય ગીત `વંદે માતરમ્' અને ઈથોપિયાનું રાષ્ટ્રગાન બંનેમાં સામ્ય છે કે, આપણી જમીનને તેમાં માનો દરજ્જો અપાયો છે. આપણી વિરાસત, સંસ્કૃતિ સૌંદર્ય ઉપર ગર્વ કરવાની અને માતૃભૂમિની રક્ષા માટે આ ગીતો પ્રેરિત કરે છે. પરદેશની ધરતી ઉપર પણ વંદે માતરમ્નો ઉલ્લેખ કરીને તેમણે મહત્ત્વનો સંદેશ વંદે માતરમ્ વિરોધીઓને આપ્યો એવું કહી શકાય. ફરી વ્યાપારની વાત કરીએ તો ભારત કોઈપણ એક દેશ ઉપર આધારિત રહેવા ઈચ્છતો નથી. એટલા જ માટે ભારત મુક્ત વેપાર કરાર (એફટીએન) જોર્ડન સાથે પણ કરવા તૈયાર છે.  અમેરિકાએ વિનાકારણ આપેલા ટેરિફના ઝટકા બાદ પણ ભારતના અર્થતંત્રમાં સતત નવું બળ મળતું રહ્યંy છે અને તેની સાથોસાથ વિકાસદરમાં પણ ઉછાળો આવ્યો છે. સ્પષ્ટ છે કે, સરકાર અને આર્થિક નિષ્ણાતોએ આગોતરી વ્યવસ્થા રાખી હતી કે, અમેરિકાના ટેરિફનાં પગલાંથી નિકાસનાં માળખાં પર કોઈ અવળી અસર પડે નહીં. ભારત બરાબર સમજે છે કે, આર્થિક ક્ષમતા વધારવા માટે વિકસતા દેશોનો સહયોગ લેવો જોઈએ. આજે ભારતે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈલેકટ્રોનિક ઉત્પાદન સહિતનાં ક્ષેત્રોમાં ભારે શક્તિ કેળવી છે. બહુ ઓછા સમયમાં ભારત આયાતકારમાંથી નિકાસકાર દેશ બની શક્યો છે તે જોતાં વિકસિત દેશોમાં સ્વાભાવિક રીતે ભયની લાગણી જાગી રહી છે. ભારતે તેના વિકાસ, ઉત્પાદન, સંશોધન સહિતનાં ક્ષેત્રોમાં સંતુલન ઊભું કરવા સતત જાગૃતિ અને તત્પરતા જાળવી રાખી છે. આ માટે ભારતે કોઈપણ દેશની સાથે વાત કરવા તૈયારી રાખી છે, જેમાં વડાપ્રધાન મોદીની જોર્ડન સહિતના દેશોની યાત્રાનો સમાવેશ થાય છે. 

Panchang

dd