• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

લોકશાહીનો ઊજળો ચહેરો

સંસદના શિયાળુસત્રનો આરંભ અને મધ્ય ઉગ્ર, ઉદ્વેગવાળાં રહ્યા બાદ અંતિમ તબક્કામાં થોડી રાહતની સ્થિતિ ગૃહમાં દેખાઈ છે. જે લોકો લોકશાહીને ચાહે છે. તેનાં મૂલ્યોની ચિંતા વિશેષ કરે છે તેમને આ જ જોઈએ છે. સંસદમાં ગુરુવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વચ્ચે થયેલો સંવાદ આખો દિવસ ચર્ચામાં રહ્યો. સતત ઊકળાટભર્યાં વાતાવરણમાં આવી ઘટનાઓ રાહત આપનારી નિવડે છે. લોકતંત્રનો અને સંસદનો આમ તો અર્થ જ એ છે, વિરોધ હોય, વિચારભિન્નતા હોય, પરંતુ લક્ષ્ય તો લોકકલ્યાણ કે લોકોના પ્રશ્નો ઉકેલવાનું જ હોવું જોઈએ. વિપક્ષના સાંસદ પ્રત્યે પણ આદરભાવ હોય, વિપક્ષને શાસક માટે સદ્ભાવ હોય તે આવકાર્ય છે. લોકસભામાં ચર્ચા ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાએ હળવી શૈલીમાં કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને કહ્યું કે, કેટલાક પ્રશ્નો માટે જૂન માસથી આપનો સમય માગું છું, એપોઈન્ટમેન્ટ આપી દો. ગડકરીએ પણ સકારાત્મક રીતે જવાબ આપ્યો કે પ્રશ્નોત્તર કાળ સમાપ્ત થાય એટલે તમે આવી જ જાઓ, મારો દરવાજો કાયમ ખુલ્લો રહે છે. કોઈ પણ સમયે તમે આવી શકો છો, એપોઈન્ટમેન્ટની કોઇ જરૂર નથી. પ્રિયંકા ગાંધી ખરેખર મંત્રીને મળવા ગયા, પ્રશ્નોની રજૂઆત પણ કરી. મુલાકાત દરમિયાન તેમણે પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડ સાથે જોડાયેલા કેટલાક મુદ્દા મૂક્યા, પ્રશ્નકાળ દરમિયાન ચંડિગઢ-સિમલા રાજમાર્ગની ચર્ચા પણ થઈ હતી. આપણી વિડંબણા એ છે કે, બે સાંસદ, એક મંત્રી અને એક સંસદસભ્ય વચ્ચે આવી સૌહાર્દપૂર્ણ ચર્ચા થાય તો તે સમાચાર બને છે. વિવિધ એપ ઉપર વાયરલ થતા જૂના વીડિયોમાં વિપક્ષી નેતા શાસકના વખાણ કરતા હોય, પોતે વિપક્ષમાં હોવા છતાં વડાપ્રધાન તેમની સાથે કેવી રીતે વર્તતા તેવું કહેતા હોય, એવાં દૃશ્યો ઘણીવાર જોવા મળે છે. આ વાતાવરણ ક્રમશ: ઘટતું ગયું. વિપક્ષ અને શાસક વચ્ચે તનાવની સ્થિતિ જ મોટાભાગે હોય. ગૃહમાં શું મુદ્દા મૂકવા તેના કરતાં વિપક્ષ એવું વિચારે કે કયા મુદ્દે ગૃહ ચાલવા દેવું નહીં. આક્ષેપોની ઝડી વરસે. સામસામે એવા ઉગ્ર સંવાદ થાય કે કોઈની વાત સાંભળી શકાય નહીં. આ સત્રમાં પણ વંદે માતરમ્ કાવ્ય, મતદારયાદી સુધારણા સહિતના વિષયો ઉપર અત્યંત ઉગ્ર ચર્ચા થઈ, પંડિત નેહરુ અને વી.ડી. સાવરકર, 1942ની લડત અને આરએસએસની ભૂમિકા સહિતના વિષયો ઉપર સામસામે શાબ્દિક તલવારો ખેંચાઈ. જેનો વર્તમાનમાં કોઈ અર્થ જ નથી તેવી ચર્ચાઓ થઈ. ગુરુવારનો દિવસ એવો રહ્યો જેમાં શાસક અને વિપક્ષ બંનેની ગરિમા જળવાઈ અને દેખાઈ. છેવટે તો સંસદીય પ્રણાલીથી લઈને આખી વ્યવસ્થાનો હેતુ પ્રજાના કાર્યો કરવાનો, દેશની પાયાની જરૂરતો પૂર્ણ કરીને સમસ્યા ઉકેલવાનો જ હોય છે. ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ એક પક્ષનો, એક વર્ગનો ન હોય, જેમના મત તેમને નથી મળ્યા તેમના પણ તે પ્રતિનિધિ છે. મંત્રી પણ આખા દેશના હોય. એક વાત અગત્યની છે કે, ભિન્ન મત એટલે વિરોધ નહીં અને વિરોધ એટલે શત્રુતા નહીં. લોકશાહી વિરોધ ઉપર જ ટકેલી પ્રક્રિયા છે. આ સત્રમાં જ પ્રિયંકાના અનેક ભાષણમાં ભાજપ- વડાપ્રધાનની ટીકા થઈ, પરંતુ તેમના મતદારના પ્રશ્નના ઉકેલ માટે તેમને મંત્રીએ ના પાડી નથી. ગાંધીજી, સરદાર સાહેબે કલ્પેલું લોકતંત્ર કદાચ આ જ હતું.

Panchang

dd