શ્રીનગર, તા. ર1 : કાશ્મીરમાં
રવિવારથી ચિલ્લાઈ કલાન શરૂ થયું છે,
ત્યારે કાશ્મીરમાં મોસમની પહેલી હિમવર્ષા થઈ છે અને સોનમર્ગમાં ભારે
બરફ વર્ષાને લીધે અનેક વાહનો સાથે પ્રવાસીઓ ફસાયા હતા. હિમાચલ પ્રદેશના ઉપરના
ભાગોમાં પણ બરફવર્ષા ચાલુ છે. ઉત્તરાખંડમાં બરફવર્ષાની સંભાવના છે. ઉત્તર
પ્રદેશમાં તીવ્ર ઠંડીનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી
અઠવાડિયા માટે ગાઢ ધુમ્મસ અને ઠંડીની ચેતવણી આપી છે. પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાથી
સમગ્ર ઉત્તર ભારતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. કાશ્મીરમાં મોસમની પહેલી
હિમવર્ષા થઈ છે, જ્યારે તીવ્ર ઠંડી, ગાઢ
ધુમ્મસ અને ઠંડીના મોજાંએ દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લોકોની
મુશ્કેલીઓ વધારી છે. દિલ્હીમાં શનિવાર મોસમનો સૌથી ઠંડો દિવસ હતો. પંજાબ, બિહાર અને ઝારખંડમાં ઠંડીની લહેર છવાઈ રહી છે. ખરાબ હવામાનને કારણે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હિમાચલ પ્રદેશ (કાંગરા)ની મુલાકાત રદ કરવી પડી છે.
ગાઢ ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને ડઝનબંધ ટ્રેનો મોડી પડી હતી.
હવામાન વિભાગે દિલ્હીમાં ઠંડીની લહેર જાહેર કરી છે. શુક્રવાર રાતથી શનિવાર સવાર
સુધી પશ્ચિમ ઉત્તર પ્રદેશથી પૂર્વાંચલ સુધીના ઘણા જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું
હતું. બુલંદ શહેર રાજ્યમાં સૌથી ઠંડુ રહ્યું, જ્યાં લઘુતમ
તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ હતું. વારાણસીમાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો
સૌથી ઓછો તફાવત 3.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો. ત્રણ
દિવસમાં જમ્મુ, કાશ્મીર અને લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે.