ભારતના ગ્રામ્ય વિસ્તારોને મજબૂત કરવાનો પડકાર સતત
મુશ્કેલ રહ્યો છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં
લોકોની માટે રોજગારીની તક જ્યારે મર્યાદિત હોય, ત્યારે આ કામ
ખરા અર્થમાં પડકારરૂપ બની રહેતું હોય છે. ગામડાને ભાંગતા રોકવા ત્યાંની વસ્તીને રોજીરોટીની
વ્યવસ્થા કરી આપવા માટે રોજગારીને બે દાયકા જૂની ગેરન્ટી યોજનાએ હવે નવા ક્લેવર ધર્યા
છે. નવાં સંસ્કરણ સાથે નવું નામ ધારણ કરનારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર
ગેરન્ટી યોજનાને હવે વિકસિત ભારત રોજગાર ગેરન્ટી અને આજીવિકા મિશન (ગ્રામીણ) એટલે કે,
વીબી જી રામ જીનું નવતર નામ મળ્યું છે. ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજનાના
નવાં સંસ્કરણનો ખરડો ગુરુવાર લોકસભાએ પસાર કર્યો હતો. વિપક્ષે આ ખરડાની બારીકાઈમાં
ઊતરવાની પરવાહ કર્યા વગર નવી યોજનામાં ગાંધીજીનું નામ ન હોવાના મુદ્દે ભારે ઉહાપોહ
કર્યો છે, પણ આ નવી યોજનાની જોગવાઈઓ ખરા અર્થમાં ઉલ્લેખનીય બની
રહે તેમ છે. ખાસ તો ગ્રામીણ પરિવારોને વર્ષમાં 100 દિવસને બદલે 12પ દિવસની રોજગારીની ગેરન્ટી આ નવસંસ્કરણ પામેલી યોજનામાં
છે. સાથોસાથ આ નવી યોજનામાં ખર્ચના વહન, રોજગારીની ચૂકવણી અને ખેતીના દિવસો અંગેની જોગવાઈઓથી કિસાનો અને મજૂરો બંને
માટે તે ફાયદાકારક બની રહેશે. ઉલ્લેખનીય છે કે, મનરેગામાં લગભગ
તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવતી હતી, હવે નવી યોજનામાં અમુક રાજ્યો
અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બાદ કરતાં રોજગારીના ચૂકવણામાં 60 કેન્દ્ર સરકાર અને 40 ટકા
રાજ્ય સરકારોના ભાગે આવશે. વળી ખેતીની મોસમમાં વાવણી અને લણણીના 60 દિવસના સમયગાળા દરમ્યાન આ યોજના તળે મજૂરોને કામ અપાશે
નહીં જેથી ખેતીના કામમાં મજૂરોની અછત સર્જાય નહીં. સાથોસાથ આ યોજના તળે રોજગારીના નાણાંની
ચૂકવણી કરવા માટે બાયોમેટ્રિક અને અન્ય આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે, જેથી ભ્રષ્ટાચારને કોઈ અવકાશ રહી શકે નહીં. લગભગ 20 વર્ષ અમલી રહેલી મનરેગા ભારે સફળ રહી છે અને તેનું
મહત્ત્વ પણ ભારે રહ્યંy છે.
ખાસ તો કોરોનાના સમયગાળામાં દેશભરના ગરીબ વર્ગના લોકોની માટે મનરેગા આશીર્વાદરૂપ બની
રહી હતી. મનરેગાને દુનિયામાં એક નમૂનારૂપ યોજના ગણીને તેમાંથી શીખવા સંખ્યાબંધ આયોજન
થયા હતા. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીના અભાવને હળવો કરવા માટે ચાવીરૂપ આવી રોજગાર
ગેરન્ટી યોજના હવે ભારત માટે અનિવાર્ય બની રહી છે. જો કે, નવી યોજનામાં અમુક નવા નિયમો અંતરાયરૂપ બની રહે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે.
ખાસ તો રોજગારીના કામો અને સ્થળ નક્કી કરવાથી માંડીને અન્ય બાબતો નક્કી કરવાનો અધિકાર
કેન્દ્ર સરકારને રહેશે, તો યોજનામાં 40 ટકા ખર્ચ રાજ્ય સરકારો ભોગવે એવી જોગવાઈ તેના અમલીકરણ
આડે આવી શકે તેમ છે. રાજ્ય સરકારો અને તેમાં
પણ ખાસ તો વિપક્ષ શાસિત રાજ્ય સરકારો આમાં ઉત્સાહિત ન રહે તો યોજનાનો અમલ નબળો પડી
જઈ શકે તેમ છે. નવી યોજનાના અમલ દરમ્યાન સામે આવતા વ્યવહારિક અંતરાયોને દૂર કરવા માટે
કેન્દ્ર સરકારે તૈયારી રાખવી અનિવાર્ય બની રહેશે. આમ થશે તો જ આ નવી યોજના ખરા અર્થમાં
ગ્રામીણ વિસ્તારોમાં રોજીરોટીનો આધાર બની શકશે.