• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

યાત્રીગણ સાવધાન...! રેલયાત્રા મોંઘી બની

નવી દિલ્હી, તા. 21 : છૂટક અને જથ્થાબંધ બંને મોરચે મોંઘવારી વધ્યા બાદ રેલવેની યાત્રા પણ મોંઘી બની છે. ભારતીય રેલવે દ્વારા રવિવારે લાંબાં અંતરની યાત્રા માટે ટિકિટના દરોમાં વધારાની ઘોષણા કરાઈ હતી. નવા ભાવ પાંચ દિવસ પછી 26મી ડિસેમ્બરથી અમલી બનશે. રેલવે તંત્રનું અનુમાન છે કે, દર કિલોમીટરે એકથી બે પૈસાના વધારાથી રેલવેને 600 કરોડ રૂપિયાથી વધુ કમાણી થશે. એક વર્ષમાં બીજીવાર ભાવ વધ્યા છે. ટ્રેન ટિકિટમાં બદલાવ બાદ કોઇ યાત્રી 500 કિલોમીટરની મુસાફરી નોન એ.સી.માં કરશે તો તેણે 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે. 215 કિ.મી.થી વધુ અંતરની યાત્રા પર દર કિલોમીટરે એકથી બે પૈસાનો વધારો કરાયો છે. ખાસ કરીને માસિક સિઝન ટિકિટધારકોના ટિકિટના દરોમાં કોઇ બદલાવ કરાયો નથી, તેવું રેલવેએ જણાવ્યું હતું. રેલવેમાં રોજ સફર કરનારા યાત્રીઓ માટે રાહતરૂપ સમાચાર રૂપે રેલવે પ્રશાસને ઉપનગરીય ટ્રેનોની ટિકિટના ભાવ વધાર્યા નથી. રેલવે મંત્રાલયના જણાવ્યાનુસાર આ વધારો પરિચાલન ખર્ચમાં વધારો તેમજ માળખાંગત વિકાસની યોજનાઓ માટે ભંડોળ મેળવવા જરૂરી જણાયો હતો. ભારતીય રેલવે દ્વારા ટ્રેનનાં ભાડાંમાં કરવામાં આવેલી વૃદ્ધિથી સારી એવી કમાણી થવાની છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે, આ બદલાવ મારફતે અંદાજિત 600 કરોડ રૂપિયાની વધારે કમાણી થવાની આશા છે. ટ્રેન ટિકિટ ભાવમાં આ ફેરફાર હેઠળ હવે કોઈ યાત્રી 500 કિમીની યાત્રા નોન એસી ટ્રેન મારફતે કરશે, તો તેણે વર્તમાન ટિકિટની કિંમતની તુલનામાં 10 રૂપિયા વધારે ચૂકવવા પડશે. ભારતીય રેલવે દ્વારા ટ્રેનની ટિકિટમાં વધારો ચાલુ વર્ષે બીજી વખત કરવામાં આવ્યો છે. આ અગાઉ ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં પહેલી તારીખે રેલ ભાડુ વધારવામાં આવ્યું હતું. પહેલી જુલાઈના કરાયેલો વધારો પણ વર્તમાન સમય જેટલો જ હતો. અલગ અલગ શ્રેણીની ટ્રેનનાં ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો. મેલ અને એક્સપ્રેસ ટ્રેનનાં ભાડાંમાં એક પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે એસી ટ્રેનથી યાત્રા કરવા ઉપર બે પૈસા પ્રતિ કિલોમીટરના હિસાબે વૃદ્ધિ કરવામાં આવી હતી. રેલવે દ્વારા કરવામાં આવેલા વધારાને ઉદાહરણ સાથે સમજવામાં આવે તો દિલ્હીથી પટણાનું અંતર અંદાજિત 1000 કિમી છે અને અત્યાર સુધી ડીબીઆટી રાજધાની ટ્રેનમાં થર્ડ એસીની મુસાફરી માટે ટિકિટ 2395 રૂપિયા છે. જે 26 ડિસેમ્બર 2025ના લાગુ વધારા બાદ પ્રતિ કિલોમીટર બે પૈસા વધી જશે. જેના પરિણામે ટ્રેનની ટિકિટમાં સીધા 20 રૂપિયા વધશે અને ટિકિટ 2415 રૂપિયા થઈ જશે.

Panchang

dd